જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં સેંદરડા ખાતે બનેલી એક ચકચારી ઘટનામાં લૂંટનાં ઈરાદે વયોવૃધ્ધ પતિ-પત્નીની કરપીણ હત્યા થવાનાં બનાવનાં પગલે ખળભળાટ મચી જવા પામેલ છે. પ્રાથમિક જાણકારી મુજબ લૂંટનાં ઈરાદે હત્યા થઈ હોવાનું મનાય છે. દરમ્યાન આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર સેંદરડા ગામે નજીક વાડી વિસ્તારમાં રાજાભાઈ દેવદાનભાઈ જીલડીયા (ઉ.વ. ૬પ) તથા જાનુબેન રાજાભાઈ જીલડીયા (ઉ.વ. ૬૪) નામના વયોવૃધ્ધ દંપત્તિની કોઈએ વાડીમાં જ નિર્મમ હત્યા થઈ હોવાનાં બનાવ અંગે પોલીસને આ અંગેની જાણ કરવામાં આવતાં કેશોદનાં ડીવાયએસપી જે.બી. ગઢવી તેમજ વંથલી પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીએસઆઈ સગારકા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને તપાસની કામગીરી હાથ ધરી છે. સૌરાષ્ટ્ર ભૂમિ સાથેની વાતચીતમાં આ બનાવનાં સુપરવિઝનમાં રહેલા ડીવાયએસપી જે.બી. ગઢવીએ બનાવ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે વાડી વિસ્તારમાં રાજાભાઈ દેવદાનભાઈ તથા જાનુબેન રાજાભાઈ નામનાં વૃધ્ધ દંપત્તિની જે હત્યા થઈ છે તે પ્રાથમિક તારણ મુજબ લૂંટનાં ઈરાદે આ હત્યા થઈ હોવાનું અનુમાન છે. હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે અને વિવિધ પાસાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેંદરડા સીમ વિસ્તારમાં થયેલી આ હત્યાનાં બનાવનાં પગલે સનસનાટી મચી જવા પામી છે. એટલું જ નહીં મૃતક દંપત્તિનાં પુત્ર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં હોવાનું પણ જાણવા મળે છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં એક કર્મચારીનાં વૃધ્ધ માતા-પિતાની હત્યાનાં બનાવનાં પગલે ભારે ચર્ચા જાગી છે અને આ હત્યાકાંડનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગેની વધુ વિગત મેળવાઈ રહી છે.