જૂનાગઢ બનશે ગ્રીન સીટી : ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પ્લાન ઘડાશે : હરેશ પરસાણા

0

જૂનાગઢ મનપાનું વર્ષ ર૦રર-ર૩નાં બજેટ અંગેની એક મહત્વની બેઠક આજે બપોરે મળી રહી છે. આ બેઠકમાં જૂનાગઢ શહેરનાં સર્વાંગી વિકાસની સાથે સાથે નવા પ્લાન અને યોજના પણ મંજુર કરવામાં આવે તેવી શકયતા છે. ખાસ કરીને લોકોને પ્રાથમિક સુવિધા જેવી કે, લાઈટ, પાણી, ગટર, રસ્તાની સુવિધા તો પુરી પાડવામાં આવશે જ પરંતુ આ સાથે જ ગુજરાતનાં ૮ મહાનગરો પૈકી જૂનાગઢ મહાનગર વિકાસની દ્રષ્ટીએ હરણફાળ ભરે તેવું એક સ્વપ્નું સેવવામાં આવેલ છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે મહાનગરપાલિકાનાં સ્ટેન્ડીંગ કમીટીનાં નવનિયુકત ચેરમેન હરેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું. વધુમાં આજરોજ બજેટ અંગેની પત્રકાર પરીષદમાં ર૦રર-ર૩નાં બજેટ અંગેની વિસ્તૃત વિગતો જારી કરવામાં આવશે. તેમજ સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સુધારા-વધારા સાથેનું આ બજેટ જનરલ બોર્ડને સુપ્રત કરવામાં આવશે તેમ જાણવા મળે છે. ગત તા. ર૧ જાન્યુઆરીએ મહાનગરપાલિકાનાં કમિશ્નર રાજેશ તન્નાએ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનને ર૦રર-ર૩નું બજેટ સોંપ્યું હતું. આ બજેટમાં ૪૦૪.૭ર કરોડનો આવકનો અંદાજ કરાયો હતો. જયારે ખર્ચનો અંદાજ ૪૦૩.પપ કરોડનો કરાયો હતો. અને આ રીતે ૧.૧૬ કરોડની પુરાંતવાળુ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. કમિશ્નર રાજેશ તન્નાએ હાઉસટેક્ષમાં પ્રતિ ચો.મી.  ૩ રૂપિયા, દિવાબતીમાં ૭પ રૂપિયા અને સફાઈમાં ૧૦૦ રૂપિયાનો વધારો સુચવ્યો હતો. આ બજેટને કમિશ્નર રાજેશ તન્નાએ તત્કાલીન સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન રાકેશ ધુલેશીયાને સુપ્રત કર્યુ હતું અને ત્યારબાદ જૂનાગઢ મનપાનાં તત્કાલીન શાસકોની મુદત પૂર્ણ થતાં નવા પદાધિકારીઓની ૩૧મી જાન્યુઆરીએ વરણી કરવામાં આવી હતી. નવા સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન તરીકે હરેશ પરસાણા નિમણુંક પામ્યા હતા અને નવનિયુકત સ્ટેન્ડીંગ ચેરમેન અને સભ્યશ્રીઓ આજે બજેટ અંગે નિર્ણય લેનાર છે. આજે સુધારા-વધારા સાથેનું બજેટ રજુ કરવામાં આવનાર છે ત્યારે જૂનાગઢ શહેરની જનતા અનેક અપેક્ષાઓ સેવી રહેલી છે. આ બજેટ કેવા પ્રકારનું મંજુર થશે તેમાં જે વધારાઓ થયા છે તે રહેશે કે ઘટાડવામાં આવશે તે સંબંધિત અનેક ચર્ચાઓ અને લોકોને જાણવાની ઈન્તેજારી થઈ રહી છે.  આજે જયારે બજેટ બેઠક થઈ રહી છે ત્યારે સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન હરેશ પરસાણાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હાલનાં કોરોના સંકટ કાળમાં જૂનાગઢ શહેરની જનતાને કોઈપણ જાતનો વધારાનો કરભાર ન વેઠવો પડે તે માટે બજેટમાં એકપણ વેરો નહી વધારાય, આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પાણીનું લેવલ ઉચું આવે તે માટે વોટર હાર્વેસ્ટીંગ પ્લાન્ટ મુકવામાં આવશે, આ ઉપરાંત જૂનાગઢ શહેર ગ્રીન સીટી બને તે માટેનાં પ્લાનને પણ મુકવામાં આવી રહેલ છે અને ગુજરાતમાં આપણું જૂનાગઢ મહાનગર વિકાસની દ્રષ્ટીએ નં.૧ બને તે માટેનાં પ્રયાસો હાથ ધરાશે. આ ઉપરાંત અત્યાર સુધીમાં વિકાસની દ્રષ્ટીએ માળખાગત સુવિધાઓ માટેનાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પ્લાન કયારેય પણ બન્યા નથી તે માળખાગત સુવિધા માટેનાં એકશન પ્લાન ઘડી કાઢવામાં આવશે અને તે અંગેની યોજના ટુંક સમયમાં  રજુ કરવામાં આવે તે રીતે આયોજનબધ્ધ રીતે કામગીરી કરવામાં આવશે. તેમજ ઓવરબ્રિજ, શાકમાર્કેટો, સ્મશાનગૃહ, રોડ, રસ્તા, ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ પ્રશ્ને પુરતા નાણાની ફાળવણી કરાશે. જૂનાગઢ મહાનગરપાલિકાનાં ૧ થી ૧પ વોર્ડનો સર્વાંગી વિકાસ થાય તેવા પગલા લેવાશે તેમ હરેશ પરસાણાએ જણાવ્યું હતું. જૂનાગઢ મનપાનું વર્ષ ર૦રર-ર૩નું બજેટ ફુલગુલાબી બની રહે તેવી કામના વ્યકત કરી હતી. ત્યારે આજના બજેટ ઉપર સંબંધિત તમામની તેમજ લોકોની મીટ મંડાયેલી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!