ગુજરાતમાં ૩.૬૪ લાખ બેરોજગારો સામે સરકારે માત્ર ૧ર૭૮ લોકોને જ નોકરી આપી

0

ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા સંકલિત પ્રશ્નોમાં રાજય સરકાર દ્વારા લેખિત જવાબ આપવામાં આવ્યો છે. જે અનુસાર રાજયમાં છેલ્લા બે વર્ષમાં કુલ બેરોજગારોની સંખ્યા ૩,૬૪,૨૫૨ ઉપર પહોંચી છે. જેમાં ૩,૪૬,૪૩૬ શિક્ષિત બેરોજગાર અને ૧૭૮૧૬ અર્ધશિક્ષિત બેરોજગારો હોવાનું રાજય સરકારે સ્વીકાર્યું છે. કુલ ૩.૬૪ લાખ બેરોજગારો સામે સરકારે માત્ર ૧૨૭૮ લોકોને જ સરકારી નોકરી આપી છે. જેમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, ખેડા, દાહોદ, જૂનાગઢ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ડાંગ મળી કુલ ૧૬ જિલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં ન આવી હોવાની ચોંકાવનારી વિગત સામે આવતા રાજય સરકારના લાખોને નોકરી આપવાના અને ભરતી કરવાના દાવાઓ પોકળ સાબિત થયા છે. સરકારે ગૃહમાં સ્વીકાર્યુ કે, રાજયમાં ૩.૪૬ લાખ શિક્ષિત બેરોજગાર જયારે ૧૭૮૧૬ અર્ધ શિક્ષિત બેરોજગારો છે. સૌથી વધુ બેરોજગારો વડોદરા જિલ્લામાં ૨૬,૯૨૧ હજાર લોકો છે. તો અમદાવાદ જિલ્લામાં ૨૬,૬૨૮, આણંદ જિલ્લામાં ૨૨,૫૧૫ અને રાજકોટ જિલ્લામાં ૧૮૯૭૭ હોવાનું સામે આવ્યું છે. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાજય સરકારે એવું પણ સ્વીકાર્યું છે કે, રાજયમાં માર્ગ મકાન વિભાગની જિલ્લા કચેરીઓમાં ૫૦% કરતા વધુ જગ્યાઓ ખાલી છે. માર્ગ મકાન વિભાગની જિલ્લા કચેરીઓમાં ૩૬૭૫ જગ્યાઓ ભરાયેલી છે જેની સામે ૩૯૭૬ જેટલી જગ્યાઓ ખાલી છે, જેમાં વર્ગ-૧ની ૨૦, વર્ગ-૨ની ૫૦૩, વર્ગ-૩ની ૨૮૮૨ અને વર્ગ-૪ ની ૫૭૧ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજયના ૩૩ જિલ્લાઓમાં ૩૬ આરટીઓ કચેરીઓમાં ૨૧૮૨ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. તે પૈકી ૧૧૪૭ ભરાઈ છે. જયારે ૧૦૫૪ હજી પણ ખાલી છે. ૪૫ ટકા જગ્યાઓ ખાલી હોવાથી આરટીઓ કચેરીઓમાં ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહન નોંધણી સહિતની અન્ય સેવાઓ સમયસર ન મળતા લોકોને જ ખૂબ જ હાલાકીનો સામનો કરવી પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના બજેટમાં ક્યાંય નવી રોજગારી ઉભી કરવાની તેમજ ખાલી જગ્યા ઉપર ભરતી કરવાની વાત કરવામાં આવી નથી. હાર્દિકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાજયમાં લાખો લોકો બેરોજગાર છે. આ આક્ષેપોનો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જવાબ આપતા અને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસને ચૂંટણી નજીક આવે ત્યારે જ બેરોજગારી અને યુવાનો યાદ આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!