ખંભાળિયા પંથકનું વહાણ યમન નજીક આગમાં લપેટાયું : એક ખલાસી લાપતા

0

ખંભાળિયા તાલુકાના સલાયાના “નૂરે અલ માસુમશા” નામના વહાણમાં અકસ્માતે આગ લાગતાં મધ દરિયે આ વહાણે જળસમાધિ લીધી હોવાના અહેવાલો સાંપડયા છે. તેમાં સવાર ૧૫ પૈકી ૧૪ ખલાસીઓનો બચાવ થયાનું તથા એક ખલાસી લાપતા બન્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ ખંભાળિયા તાલુકાના સલાયાના અગ્રણી વહાણવટી આદમ ઇશાક સુંભણીયાની માલિકીનું “અલ નૂરે માસૂમશા” નામનું ૧૪૦૦ ટનનું અને આશરે રૂપિયા છ કરોડ જેટલી કિંમતનું આ વહાણ માલ- સામાન ખાલી કરીને યમનના નિસ્તુન બંદરેથી ગુરૂવારે સવારે નીકળ્યું હતું. ૧૫ ખલાસીઓ સાથેનું આ વહાણ ઓમાનના સલાલા બંદરે માલ ભરવા જતું હતું. આ વહાણમાં ૧૫ ખલાસીઓ સવાર હતાં. ગુરૂવારના રાત્રીના સમયે આ વહાણમાં અકસ્માતે આગ લાગી હતી અને જાેતજાેતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વહાણના ખલાસીઓને ઓમાનની નેવીએ રેસ્ક્યું કરી અને ૧૪ ખલાસીઓને બચાવ્યા હતા. જ્યારે હમઝા ગની ચમડિયા નામનો એક ખલાસી લાપતા થયો હતો. બાદમાં આ વહાણએ મધદરિયે જળસમાધિ લીધી હતી. આ બનાવે સલાયા પંથક સાથે વહાણવટી વર્તુળમાં ભારે શોક સાથે ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!