ખંભાળિયા તથા ભાણવડ અને બારાડી પંથક શુદ્ધ ઘી માટે વિખ્યાત છે. પરંતુ ઘીમાં થતી ભેળસેળ જન આરોગ્ય માટે ખૂબ જ હાનિકર્તા હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત જિલ્લા એસઓજી વિભાગના ઈરફાનભાઈ ખીરા તથા નિલેશભાઈ કારેણાને મળેલી ખાનગી બાતમીના આધારે ભાણવડમાં રહેતા જયસુખલાલ છગનલાલ શેઠની દરિયાલાલ ચોકમાં આવેલી મે. સંદીપ મસાલા ભંડાર નામની દુકાનમાં ચેકિંગ કરતા આ દુકાનમાં વેચવામાં આવતું દેશી ઘી ભેળસેળની શંકાયુક્ત ધ્યાને આવ્યું હતું. સરકારના ફૂડ સેફ્ટી અંગેના નિયમોની વિરૂદ્ધ અહીં વેચાતા ઘીમાં ભેળસેળની શંકા જણાતા આ અંગે એસ.ઓ.જી. પોલીસે ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી, મે. સંદીપ મસાલા મીલ ખાતે ચેકિંગ કર્યું હતું. જેમાં આ દુકાનમાંથી જુદા જુદા બાર કેટલાઓમાં કહેવાતું દેશી ઘી ભેળસેળની શંકામાં જણાયું હતું. આથી પોલીસે કાર્યવાહી કરી, રૂપિયા ૧,૦૨,૯૬૦ની કિંમતનું ૧૯૮ કિલોગ્રામ ઘી હાલ ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા સીઝ કરી અને આ ઘીના સેમ્પલો લઈને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી એસઓજી વિભાગના પી.આઈ. પી.સી. સિંગરખીયા, એએસઆઈ ઈરફાનભાઈ ખીરા, દિનેશભાઈ માડમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.