ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ ઉપરથી ક્રૂરતાપૂર્વક ભેંસોને લઈ જતો વાહન ચાલક ઝડપાયો

0

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ ઉપરથી ક્રૂરતાપૂર્વક પશુઓ(ભેંસોને) ઠાંસીને લઈ જતા એક આઈસર ટ્રકને અહીંના સેવાભાવી કાર્યકરો અને ગૌભક્તોએ અટકાવી, ગેરકાયદેસર રીતે ભેંસોનું વહન કરવા સબબ આ પશુના માલિક તથા વાહન ચાલક સામે ગુનો નોંધાવ્યો છે. આ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં છેલ્લા ઘણા સમયથી મુક પશુઓની સેવા તથા તબીબી સારવાર કરતા ગૌભક્ત અને સેવાભાવી કાર્યકર દેશુરભાઈ ધમાને મળેલી ચોક્કસ માહિતી ઉપરથી મંગળવારે રાત્રે આશરે ૧૧ વાગ્યે ખંભાળિયા – જામનગર હાઈવે ઉપર કંચનપુર નજીક આવેલા ટોલ ગેઈટ પાસેથી પસાર થતા જીજે-ટી-૮૯૨૮ નંબરના આઈસર ટ્રકને દેશુરભાઈની સાથે રહેલા સેવાભાવી ડોક્ટર વિજય ભાંગડા તથા રવિ વકાતર દ્વારા અટકાવવામાં આવ્યો હતો. આ ટ્રકમાં જાેતા તેમાં ગીચતાપૂર્વક અને ઠાંસીને નવ ભેંસને લઈ જવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી સેવાભાવી કાર્યકરો દ્વારા ટ્રક ચાલક એવા ખંભાળિયાના ઘી ડેમ વિસ્તારમાં રહેતા કોળી મહેશ રાણા રાઠોડ(ઉ.વ.૨૭)ને આ અંગેની પૂછપરછ કરતા તેના દ્વારા ભાણવડ તાલુકાના ચોખંડા ગામના જગા આહીરની માલિકીની આ નવ ભેંસને તે સુરત ખાતે લઇ જતો હોવાનું જણાવ્યું હતું. આમ, આઈસર ટ્રકમાં ક્રૂરતાપૂર્વક પશુઓને ભરી અને તેમા પાણી કે ચારાની વ્યવસ્થા કર્યા વગર આ પશુઓનું વહન કરવા બદલ ખંભાળિયા પોલીસે દેશુરભાઈ ગગુભાઈ ધમાની ફરિયાદ ઉપરથી મહેશ રાણા રાઠોડ અને ચોખંડા ગામના જગા આહીર સામે પ્રાણી ક્રુરતા અધિનિયમ મુજબ ગુનો નોંધી, આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી
હતી.

error: Content is protected !!