ખંભાળિયા સહિત જિલ્લાના જુદા-જુદા દરિયાકાંઠા વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં હાલની પરિસ્થિતિમાં માછીમારી કરવા ગયેલા માછીમારોને પોલીસે ઝડપી લઇ, આ બોટના સંચાલકો એવા વાડીનાર તથા સલાયાના મળી, કુલ તેર શખસો સામે ધોરણસર ગુનો નોંધ્યો છે. હાલ ચોમાસાની ઋતુમાં દરિયો તોફાની બનતો હોય, માછીમારી કરવા તથા દરિયો ખેડવા સામે જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલી બનાવવામાં આવ્યું છે. તેમ છતાં પણ જીવના જાેખમે માછીમારી કરતા તથા કરાવતા આસામીઓ સામે દેવભૂમિ દ્વારકાની એસ.ઓ.જી. પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગઈકાલે ખંભાળિયા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં એસઓજી પોલીસના ચેકિંગમાં ખંભાળિયા તાલુકાના વાડીનારમાંથી ૧૧ તથા સલાયા પંથકના બે મળી, કુલ તેર આસામીઓ આ નિયમનું ઉલ્લંઘન કરતા હોવાનું જાહેર થયું છે. આ કાર્યવાહીમાં પોલીસે સિક્કા ખાતે રહેતા કાસમ ઉમર હુંદડા, મોહસીન સિદ્દીક હુંદડા, મોસીન અબ્દુલ ગાધ, આદમ જૂનશ ભટ્ટી, અબ્દુલ બચુ જેરા, જુસબ અબ્દુલ સુંભણીયા, વલીમામદ હુશેન કુંગડા, હનીફ અઝીઝ હુંદડા, જૂનસ કાસમ સંઘાર, સલાયાના રહીશ સિદ્દીક મુસા ચમળિયા, ફારૂક જુસબ ગાદ, બેડ ગામના સાજીદ ઓસમાણ ભગાડ, તથા વાડીનારના બિલાલ આમદ સુંભણીયા નામના કુલ તેર શખસો સામે સ્થાનિક પોલીસ મથકમાં જાહેરનામાના ભંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજા, ભીખાભાઈ ગાગીયા, હરપાલસિંહ જાડેજા, ઈરફાનભાઈ ખીરા, દિનેશભાઈ માડમ, કિશોરસિંહ જાડેજા, પબુભાઈ માયાણી, ખેતસીભાઈ મૂન તથા કરણકુમાર સોંદરવા દ્વારા કરવામાં આવી હતી.