શકિતનાં પર્વ એવા નવરાત્રી મહોત્સવને ભારે ઉત્સાહથી ઉજવવા લોકોમાં થનગનાટ

0

હિન્દુ ધર્મનો સોૈથી મોટામાં મોટો તહેવાર એટલે નવરાત્રીનો તહેવાર છે. શકિતની આરાધનાનાં આ પર્વને અનેરા ઉત્સાહથી દરે વર્ષે મનાવવામાં આવે છે. બે વર્ષ સુધી કોરોનાની વિકટ પરિસ્થિતિ બાદ આ વર્ષે તમામ નિયંત્રણો દુર થયા છે ત્યારે નવરાત્રી મહોત્સવની બમણા ઉત્સાહથી ઉજવણી કરવામાં આવશે. નવરાત્રીની તૈયારીનાં ભાગરૂપે બજારોમાં પણ ચણિયાચોળી તેમજ નવી ફેશનનાં વસ્ત્રોની ખરીદી, સજાવટ માટેની વેરાઈટીઓ તેમજ નવરાત્રીને લગતા અનેક ઉપકરણોની ખરીદી શરૂ થઈ છે અને બજારોમાં તેજીનો દોર શરૂ થયો છે. કોરોનાકાળમાં બે વર્ષ ઘરની ચાર દિવાલ વચ્ચે ગોંધાઇ રહેલું યૌવનધન આ વર્ષે નવરાત્રી ઉજવવા થનગની રહ્યુ છે. નવરાત્રીના પાવનપર્વના ૧૪ દિવસ પૂર્વે જૂનાગઢની બજારોમાં ચણિયા-ચોળી અને સાંજ શણગાર ખરીદવા ભીડ જામવા માંડી છે. ચણીયાચોળી સહિત નવરાત્રીનો સાજ-શણગાર વેંચનારાઓએ પથારા પાથર્યા છે. ખાસ કરીને નવરાત્રીના ભાતિગળ ચણિયાચોળી સહિતના પરિધાનો ખરીદવા માટે યૌવનાઓ બજારમાં ઉમટી રહી છે. જેના અંતર્ગત કારણોમાં કોરોનાકાળના બે વર્ષ દરમ્યાન નવરાત્રીના ઢોલ ન ઢબુકતા યૌવનધન નિરાશાની ઘોર અંધકારમય ગર્તામાં ગળાડૂબ થયું હતું. પરંતુ, હવે પરિસ્થિતી રાબેતા મુજબની થતા ઉત્સવોનો ઉમળકો એટલો બધો વધ્યો છે કે નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ગુજરાતનાં ખાસ કરીને જૂનાગઢ, સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, પાલિતાણા, જામનગર, અંબાજી, કચ્છ-ભુજ સહિત દેશભરના વિવિધ વિસ્તારોમાં રંગ-બેરંગી, જાત-જાતના અને ભાત-ભાતના ચણિયા-ચોળી વેંચાવા આવ્યા છે. આ વર્ષે કચ્છી પટોળા, લહેરીયા, બાટીક, લખનવી, ચિકનવર્ક સહિતની અનેકવિધ વેરાયટીઓ આવી છે. તદુપરાંત ક્રસવાળા દુપટ્ટા, ઝુલવાળી ચોલી, બાંધણી, લખનવી, ચણિયા રૂા.૭૦૦ થી ૩૫૦૦ સુધી મળે છે. જ્યારે ક્રસવાળા દુપટ્ટા રૂા.૩૦૦ના ભાવે વેચાય છે. જ્યારે ટાપેટા સિલ્ક વર્ક કે હેવી લૂકના ચણિયાચોળી રૂા.૫૦૦૦ સુધી પણ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. નવરાત્રીનાં આગમનને વધાવવા લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આગામી તા.ર૬થી આદ્યશકિત માનાં નવલા નોરતા શરૂ થવાને છે ત્યારે એક તરફ વિવિધ જ્ઞાતિ સમાજાે દ્વારા પાર્ટી પ્લોટ સહિતનાં ભવ્યો આયોજન નવરાત્રીનાં થઈ રહ્યા છે. તેમજ શેરી ગરબીઓના પણ આયોજન કરવામાં આવી રહેલ છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો ૧૦ થી ૧પ જગ્યાએ ભવ્ય આધુનિક દાંડીયારાસનાં કાર્યક્રમો તેમજ અન્ય રપ૦થી વધારે ગરબી મંડળો દ્વારા પ્રાચિન-અર્વાચિન રાસ-ગરબા અને નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. બે-ત્રણ દિવસથી વરસાદ પણ અનરાધાર વરસી રહ્યો છે અને આ વરસાદની સીઝનનો અંતિમ પડાવ છે. હવામાન શાસ્ત્રીઓનાં જણાવ્યા અનુસાર, નવરાત્રીમાં આ વખતે વરસાદ વેરી નહી બને જેને લઈને આયોજકોમાં રાહતની લાગણી જાેવા મળે છે.

error: Content is protected !!