સોલા રોડ, સાયન્સ સીટી, તક્ષશિલા સોસાયટીમાં અને બાવળાના ચાચરાવાડી વાસણા ગામમાં માતાના મૃત્યું પછીની તમામ વિધિઓ ફગાવીને અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ ભારે સફળતાથી સંપન્ન થયો હતો. વરસાદના અવરોધ વચ્ચે મૃત્યું પછીની ધાર્મિક ક્રિયાકાંડો નિરર્થક, બોગસ હોય તિલાંજલિ આપવા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિધિઓમાં લાખ, બે લાખનો ખર્ચ કર્યો હોય અને અમુક વર્ષ પછી પાછા પિતૃ-સુરાપુરા જાગે તો ક્રિયાકાંડો કરાવનારા તમામ સામે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરવા જાથાને આહવાન કર્યું હતું. યજમાન પરિવારે પોતાની પાસે વિધિનું બાંહેધરીપત્રક હોવું જરૂરી છે. અમદાવાદમાં તક્ષશિલા સોસાયટીમાં જનજાગૃતિ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે જશુભાઈ મોહનભાઈ પટેલે જણાવ્યું કે, અંધશ્રા દૂર થશે તો જ સમાજ, રાષ્ટ્ર પ્રગતિ કરી શકશે. માનવીએ વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણ અપનાવી તર્કને પ્રાધાન્ય આપી પ્રગતિ-વિકાસનો માર્ગ અપનાવવો પડશે. વિજ્ઞાનથી માનવજાત સુખી-સંપન્ન થઈ છે તે સૌએ સ્વીકારવું પડશે. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ પોતાના અંગત વિચાર આપતા જણાવ્યું કે, મૃત્યું પછીની તમામ વિધિઓ, નિરાધાર, બોગસ છે. મૃત્યું પછી વિધિઓ પાછળ લાખ, બે-પાંચ લાખ સુધીનો ખર્ચ થતો હોય છે. અમુક સ્થળે મોટો જમણવાર તો કયાંક દેશી-વિદેશી દારૂ સગા-સંબંધીઓને પીરસવામાં આવે છે. વાસ્તવમાં મૃત્યું પછીની વિધિઓ, માન્યતા, રિવાજ, કુરિવાજની વ્યાખ્યામાં આવે છે. તેને તિલાંજલિ આપવી ભાવી પેઢી માટે હિતકારક છે.