મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન – મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ રક્તદાન અભિયાન આયોજિત કરવા બદલ સમાજના સૌ આગેવાનો અને યુવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, આટલું મોટું આયોજન રક્તદાન માટે સૌપ્રથમવાર થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી હરહંમેશ સેવાના કાર્યોને જ પ્રાથમિકતા આપતા આવ્યા છે. સામાન્યમાં સામાન્ય અને છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચાડવા માટે નરેન્દ્ર મોદીના સતત પ્રયાસો રહ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ પ્રકારના લોકઉપયોગી આયોજન થકી સમાજમાં જાગૃતિ આવે છે. વધુમાં વધુ યુવાનો અને સમાજ આવા અભિયાનમાં જાેડાય તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ પણ કરી હતી. આ અવસરે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવના સલાહકાર મુકેશ ગુગલિયાએ જણાવ્યું કે, અમારો લક્ષ્યાંક દેશ અને વિદેશમાં પ્રવાસી ભારતીય નાગરિકો દ્વારા આશરે ૨૦૦૦ રક્તદાન શિબિરોનું આયોજન કરીને અંદાજે ૧,૫૦,૦૦૦ યુનિટથી વધુ રક્તદાન મેળવવાનો છે. આ સંસ્થાએ પૂર્વમાં પણ ૨૦૧૨ અને ૨૦૧૪માં એક લાખથી વધુ રક્ત યુનિટ એકત્રિત કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનો નામ નોંધાવ્યું છે. આ અવસરે કાઉન્સિલરઓ, તેરાપંથ યુવક પરિષદ અમદાવાદના પ્રમુખ, સભ્યઓ, મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ સાથે સંકળાયેલા વોલિયનટીયર્સ, સમાજના આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.