દ્વારકા શારદાપીઠના અનંત વિભૂષિત જ્યોતિષપીઠાધીશ્વર એવં દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ ગત તારીખ ૧૧ સપ્ટેમ્બરના રોજ શ્રી બ્રહ્મલીન થયા અને ત્યારથી આજ સુધી શ્રી શારદાપીઠ મઠ શંકરાચાર્ય આશ્રમમાં આ નિમિત્ત ચતુર્વેદ પારાયણ, બ્રહ્મસૂત્ર પારાયણ, દશોપાનિષત્ પારાયણ, શ્રીમદ્ ભાગવત મહાપુરાણ પારાયણ, વેદાંત પરાયણ, શ્રીમદ્ ભગવદ્ ગીતા પારાયણ તથા વિષ્ણુ સહસ્ત્રનામ પારાયણ જેવા ધાર્મિક કાર્યો સંપન્ન કરવામાં આવ્યા છે. આ નિમિત્તે ગઈકાલે શુક્રવારે સવારે ૧૦ વાગ્યે બ્રહ્મલીન શંકરાચાર્ય મહારાજની પોડસી નિમિત્ત ગુરૂગાદી ઉપર ભગવના શાલિગ્રામનું પૂજન તથા બ્રહ્મલીન પૂજ્ય મહારાજનું પુજન તથા બપોરે ૧૨ વાગ્યે ભંડારો(ગુરૂ પ્રસાદ)નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, ગુરૂ ભક્તો તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર પોડસી સમરાધના કાર્યક્રમ શારદામઠના બ્રહ્મચારી નારાયણાનંદજીના માર્ગદર્શનમાં સંપન્ન થયો હતો.