ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામના મૂળ વતની અને પત્રકારત્વ ક્ષેત્રમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ઈશુદાનભાઈ ગઢવી થોડા સમય પૂર્વે આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. આગામી ચૂંટણીમાં “આપ”ને બહુમતી મળે તો ઈશુદાનભાઈ ગઢવીને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી બનાવવામાં આવે તે માટેના ઓપિનિયન પોલમાં મહત્તમ મત મળતા આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ દ્વારા ગઈકાલે ઈશુદાનભાઈ ગઢવીને સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઈશુદાનભાઈની જાહેરાત કરવામાં આવતા ઈશુદાનભાઈના સમર્થકો દ્વારા ખંભાળિયા પંથકમાં ઉજવણીનો સર્જવામાં આવ્યો હતો. ઈશુદાનભાઈ ગઢવીને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવતા આના અનુસંધાને ઈશુદાનભાઈ ગઢવી આવતીકાલે રવિવારે સવારે ખંભાળિયા આવશે. સવારે ૮ વાગ્યે અહીંના સોનલ માતાજીના મંદિરે દર્શન કરી અને અહીંથી મોટરસાયકલ, કાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી તેમના વતન પીપળીયા ગામ ખાતે માતાજીના મંદિર ખાતે પહોંચશે. ધવજાજી, સામૈયા, યજ્ઞ-હવન સહિતના ધર્મમય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ પ્રસંગે પીપળીયા ગામ ખાતે સાધુ સંતો અને માતાજીની ઉપસ્થિતિમાં પરંપરાગત ચારણી રાસનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા ધર્મપ્રેમી જનતા તથા આસપાસના રહીશોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.