માંગરોળ ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ

0

માંગરોળ ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી. જેમાં કાર્યકરો દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિસિંહે સેક્રેટરીએટ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યું હતું. માંગરોળ મુરલીધર ફાર્મ ખાતે કોંગ્રેસની પબ્લિક મીટીંગ યોજાઇ હતી. જેની શરૂઆતમાં મોરબી પૂલ દૂર્ઘટનાના હતભાગીઓની યાદમાં બે મિનિટનું મોન કરી દુઃખ વ્યક્ત કર્યુ હતું. આ મીટીંગમાં શક્તિસિંહે કોંગ્રેસની આંતરિક એકતા ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં કોંગ્રેસ જીતે છે ત્યાં ત્યાં મેલી મુરાદવાળા લોકો અંદર અંદર ઝઘડાવીને દિલોને તોડવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં કોંગ્રેસ જીતે છે, ત્યાં ભાજપ પૈસા આપીને પણ વોટ તોડની રમત રમે છે અને કોંગ્રેસને હરાવવાના પ્રયાસો કરે છે. રાષ્ટ્રીય કક્ષાએ એહમદ પટેલ જેવા દિગ્ગજ નેતાને બેઈજ્જત કરવા માટે કોઈ પણ કક્ષાએ ધારાસભ્યોને તોડવા રંગા બિલ્લાએ પ્લોટ બનાવ્યો હતો. ત્યારે જેની પાસે બહૂ પૈસા હતા એ ધારાસભ્યો પણ લાલચમાં આવી ગયા હતા. તે સમયે કોંગ્રેસના વફાદાર ધારાસભ્ય બાબુભાઇ વાજાએ ૨૫ કરોડ અને મિનિસ્ટરની ઓફર ઠુકરાવીને પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહને પછડાટ આપી હતી. બાબુભાઈ વાજા પૈસે ટકે બહૂ સધ્ધર ના હોવા છતાં તેમણે પ્રમાણિકતા અને વફાદારી ચુક્યા વિના ૨૫ કરોડ રૂપિયાની ઓફર ઠૂકરાવીને પણ એહમદ પટેલને જીતાડી રાજ્યસભામાં મોકલ્યા હતા. શક્તિસિંહે માંગરોળ બેઠક ઉપર બાબુભાઈ વાજાની ટીકીટ નક્કી જ હોવાના શંકેત આપતા જણાવ્યું હતું કે, ક્યારેક બાબુભાઈ એકાદ પ્રસંગે હાજર ના રહી શક્યા હોય પરંતુ આપણે વિચારધારાના લોકો છીએ. પરિસ્થિતિ ને સમજીને જે માણસ કરોડો રૂપિયા ઠૂકરાવીને પણ ના વેંચાયો તેવા પ્રમાણિક ધારાસભ્યને ફરી ચૂંટીને મોકલીએ એ આપણી પણ નૈતિક ફરજ બને છે. વફાદાર ધારાસભ્ય બાબુભાઈ વાજાને કોઈ ખરીદી નહીં શકે તેનો હું સાક્ષી છું. તેમણે મોંઘવારી, બેરોજગારીના મુદ્દે ભાજપ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આ સરકાર કામ કાંઈ નથી કરતી પરંતુ ચૂંટણી આવે એટલે હિન્દુ મુસલમાન કરાવવાનાં પ્રયત્નો થાશે. આ લોકોને કાંઈ ફરક નથી પડતો. રામનો મરે તોય ભલે ને રહીમનો મરે તોય ભલે બસ મારા મતનો તરભાણું ભરે. એ ના હે રામ કે ના હે રહીમ કે. દેશમાં કોઈનું પણ નુકશાન થાય એ દેશનું નુકશાન થાય એ આપણી વિચારધારા છે. કોંગ્રેસ ફક્ત સત્તા લેવા માટે નહીં સેવાની સાધના માટેની સરકાર બનશે. માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ કોંગ્રેસનું ૧૦૦ ટકા મતદાન કરાવી પ્રચંડ બહુમતીથી વિજય બનાવવા હાકલ કરી હતી. મોરબી દુર્ઘટનાને લઇને ચંદ્રીકાબેન ચુડાસમાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે શહેર પ્રમુખ હારૂન ઝાલાએ માંગરોળ શહેરને કૌમી એકતાનું પ્રતિક ગણાવ્યું હતું. જ્યારે વાલાભાઈ ખેરે માંગરોળ બેઠક ઉપર પરિવર્તન જરૂરી ગણાવી બાબુભાઈ વાજાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના આ પ્રોગ્રામમાં રાજ્યસભામાંના શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય બાબુભાઇ વાજા, યુસુફ પટેલ, ડો. ચંદ્રિકાબેન ચુડાસમા, મેરામણભાઈ યાદવ, મોહુસેન ઝાલા, અવિનાશ પરમાર, ભરતભાઇ અમીપરા, ડો. ક્રિતીબેન આગ્રાવાત, ધર્મીસતાબેન કામની, વાલભાઈ ખેર વગેરે કોંગી નેતાઓએ હાજરી આપી હતી.

error: Content is protected !!