યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશનું ઘર એટલે કે રાણીવાસ આવેલો છે. વર્ષ દરમ્યાન લાખો યાત્રિકો અહીં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દર વર્ષની જેમ દિવાળી પછી દેવ ઉઠી અગિયારસનાં દિવસે તુલસી વિવાહનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. આ વર્ષે પણ દ્વારકાધીશના પૂજારી પરિવાર અને બેટનાં નગરજનોએ માતા તુલસીનાં અને ભગવાન દ્વારકાધીશના શુભ વિવાહનો પ્રસંગ ઉમંગ ઉલ્લાસ અને ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો. ભગવાનની સોળ હજાર એકસો આઠ પટરાણીઓમાંથી બે પટરાણીઓનાં વિવાહના પ્રસંગો ઉજવવામાં આવે છે અને તે છે રૂક્ષ્મણી વિવાહ અને તુલસી વિવાહ. કારતક સુદ અગિયારસને દિવસે તુલસી વિવાહનો ધાર્મિક પ્રસંગ ભક્તો દ્વારા ખૂબ જ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. યાત્રાધામ બેટ-દ્વારકાવાસીઓ અને કૃષ્ણ ભક્તોએ બેટ દ્વારકામાં ઉમંગભેર તુલસી વિવાહનો ધાર્મિક પ્રસંગ ઉજવ્યો હતો.