માંગરોળની જેલમાં જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલેલ આરોપી ઉપર અત્યાચાર

0

માંગરોળ ચોરીના આરોપ સબબ જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ આરોપીને જેલમાં કોન્સ્ટેબલ દ્વારા બેરહમી પૂર્વક માર મારવામાં આવતા આરોપીના પાછળના ભાગે અને બંને પગની સાથળો ઉપર ચાઠાં પડી જતા માંગરોળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ વિગત એવી છે કે, એક વર્ષ અગાઉ માંગરોળના અગ્રણીય વેપારીના ગોડાઉનમાંથી ચોરી થઈ હતી. જે બાબતે વેપારીએ પોલીસ ફરિયાદ કરતા ત્રણ જેટલા શખ્સો વિરૂદ્ધ ચોરીના આરોપ સબબ ધરપકડ પણ કરવામાં આવી હતી. આ બાબતની તપાસ અંતર્ગત ચાર દિવસ અગાઉ ઈરફાન ઉકરડા ઉર્ફે ઢેઢી નામના યુવકની ધરપકડ કરવામાં આવેલ અને એમને કોર્ટમા રજુ કરતા કોર્ટે પૂછપરછ માટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રીમાન્ડ સમય પૂરો થતાં કોર્ટ દ્વારા તેમને જ્યુડીશ્યલ કસ્ટડીમાં માંગરોળ સબ જેલમાં મોકલી દેવામાં આવેલ. ચોરીના આરોપ સબબ ઈરફાન ઉકરડા નામનો શખ્સ જ્યુડીશ્યલ કસ્ટડીમાં બે દિવસથી માંગરોળ સબજેલમાં હોય જેલમાં કોન્સ્ટેબલ દ્વારા ઢોરમાર મારતા યુવકના બંને પગનાં સાથળ અને પાછળના ભાગે ચાઠાં પડી ગયા હતા. શનિવારે તેમને જામીન મળતા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે યુવકે એવો આરોપ લગાવ્યો છે કે, મને જેલમાં લઈ જઈને કોન્સ્ટેબલે લાકડીના ફટકા માર્યા અને કહ્યું કે, તું ગુનો કબૂલી લે…! ફરી સાંજના પાંચ વાગ્યે પણ મારી સામે કેમ જુએ છે ? તેમ કરીને મને બેરહમી પૂર્વક મારામારી કરી હતી અને મારો ચેહરો પકડીને કીધું કે તું બહાર મારૂ શું કરી લઈશ…! યુવકે એવો પણ આક્ષેપ કર્યો છે કે, મારી સાથે ફરીયાદી વેપારીની ભલામણથી મારામારી કરવામાં આવી છે. રિમાન્ડ દરમ્યાન યુવક સાથે પોલીસે કોઈ ગેરવર્તન કર્યું નહોતું પરંતુ જેલમાં ગુનો કબુલાવાના નામે આરોપીને મારવાનો કોન્સ્ટેબલને અધિકાર કોણે આપ્યો ? તે એક તપાસનો વિષય છે. આ બાબતે માંગરોળ પોલીસના પીએસઆઇ એસ.એ. સોલંકીએ આરોપી યુવકનું નિવેદન લઇને તપાસ હાથ ધરી છે. આરોપી યુવકના વકીલ યુસુફ કરૂડે જણાવ્યું છે કે, આ બાબતે કોન્સ્ટેબલ વિરૂદ્ધ ગુનો દાખલ નહીં થાય તો અમે હાઈકોર્ટ સુધી જશું.

error: Content is protected !!