તા.૧પ ડિસેમ્બર થી ૧પ જાન્યુઆરી દરમ્યાન એક મહિના સુધી અનેક વિધ કાર્યક્રમ : અમદાવાદ ખાતે ૬૦૦ એકરની વિશાળ ભૂમિ ઉપર પ્રમુખ સ્વામિ મહારાજ નગરનું નિર્માણ કાર્ય : તડામાર તૈયારીઓને ઓપ
વિશ્વ વંદનીય સંત પૂજય પ્રમુખ સ્વામિ મહારાજનાં શતાબ્દી મહોત્સવની ભવ્યતી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ ખાતે ૬૦૦ એકરની જગ્યામાં પ્રમુખ સ્વામિ મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવેલ છે અને તડામાર તૈયારી ચાલી રહી છે. લોકસેવા, સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્મનાં ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામિ મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદનાં આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવાનાર છે. બીજાનાં ભલામાં આપણું ભલું અને બીજાનાં સુખમાં આપણું સુખ એ જીવનસૂત્ર જીવનાર પ્રમુખ સ્વામિ મહારાજનો આ શતાબ્દી મહોત્સવ તા.૧પ ડિસેમ્બર, ર૦રર થી તા.૧પ જાન્યુઆરી, ર૦ર૩ દરમ્યાન એક મહિના દરમ્યાન ધામધૂમથી ભકિતભાવપૂર્વક ઉજવાશે. સમાજનાં દરેક સ્તરમાંથી દેશ-વિદેશનાં લાખો લોકો પૂજય પ્રમુખસ્વામિ મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલી અર્પવા આ મહોત્સવમાં ઉમટશે. જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે, જે લોકોને જીવન ઘડતરની પ્રેરણાઓથી છલકાવશે. વધુમાં એક મહિના પર્યત ચાલનારા આ અપૂર્વ મહોત્સવ માટે અમદાવાદનાં પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ ઉપર ૬૦૦ એકરની વિશાળ ભૂમિ ઉપર પ્રમુખ સ્વામિ મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી કલ્ચરલ વન્ડરલેન્ડ બની રહેશે. પ્રમુખ સ્વામિ મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનાં કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઉઠશે. આ મહોત્સવ સ્થળનાં કેટલાક આકર્ષણો જાેવા જઈએ તો કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વારો, પ્રમુખ સ્વામિ મહારાજની ભવ્ય સ્મારક પ્રતિમા, ભવ્ય અક્ષરધામ મહામંદિરની અતુલ્ય યાત્રા, વિવિધ પ્રેરણાઓ આપતા પ્રદર્શન ખંડો, બાળકો માટે સાંસ્કૃતિક બાળનગરી, ટેલેન્ટ શો, મહિલા મંચ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ, યજ્ઞપુરૂષ સભાગૃહમાં વિવિધ કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, જયોતિ ઉદ્યાનની રંગબેરંગી પ્રેરણાત્મક રચના(ગ્લો ગાર્ડન), લેન્ડસ્કેપ, સર્વધર્મ સંવાદિતાનું પ્રયાગતીર્થ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્વત્ પરિષદો, પ્રેમવતી ઉપાહાર ગૃહ છે. પ્રમુખ સ્વામિ મહારાજનાં નિઃસ્વાર્થ પ્રેમથી પોતાનું જીવન સમર્પિત કરનારા ૧૧૦૦થી વધુ સુશિક્ષિત સંતોનો વિશાળ સમુદાય અને કુલ ૭૦ હજારથી વધુ સ્વયંસેવકો આ મહોત્સવ દરમ્યાન રાત-દિવસ સેવા આપશે. કુલ ૪પ જેટલા વિભાગ દ્વારા આ મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.