ખંભાળિયા નજીકના દ્વારકા-જામનગર હાઈવે ઉપર અત્રેથી આશરે બે કિલોમીટર દૂર મઢુલી હોટલ સામેથી રાત્રિના એકાદ વાગ્યાના સમયે દ્વારકા દર્શનાર્થે જતા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે રહેતા પ્રવીણભાઈ ઈશ્વરભાઇ દુધરેજીયા નામના ૫૫ વર્ષના આધેડની વેગન-આર મોટરકાર નંબર જી.જે. ૦૬ કે. ૪૭૧૪ સાથે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. ૩૭ જે. ૨૨૮૫ નંબરની ક્રેટા મોટરકારના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા વેગન આર કારમાં જઈ રહેલા પ્રવીણભાઈ દુધરેજીયાને અહીંની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે સોમવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યું નીપજ્યું હતું. આ અકસ્માતમાં વેગન આર મોટરકારમાં જઈ રહેલા તેમના અન્ય મિત્રોને પણ નાની-મોટી ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ સમગ્ર બનાવવા અંગે મૃતકના નાનાભાઈ દશરથભાઈ ઈશ્વરભાઈ દુધરેજીયા(ઉ.વ. ૫૦, રહે. વઢવાણ)ની ફરિયાદ ઉપરથી ખંભાળિયા પોલીસે ક્રેટા કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ ૩૦૪ (અ), ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.