ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલી રાજ્ય સ્તરીય યોગ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો

0

ટ્રાન્સસ્ટેડિયા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોગ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય સ્તરીય યોગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા, કાંકરિયા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્ય સ્તરીય યોગ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણા દેશની પ્રાચીન યોગ પ્રણાલીને દેશ-દુનિયા સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો અમૂલ્ય ફાળો રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિશ્વના દેશોમાં યોગની વધતી માંગ અને યોગનું ઉજળું ભવિષ્ય આવનારાં વર્ષોમાં યોગના શિક્ષકોને રોજગારી પૂરી પાડશે. મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા યોગને ખેલ મહાકુંભમાં પણ સ્થાન આપવામાં આવશે તથા આવનારા સમયમાં રમતગમત અને યોગ માટેની યોજનાઓના લાભ જનતાને ઓનલાઈન પ્રાપ્ત થાય તેવી સુવિધા સરકાર કરવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે રાજ્યસ્તરીય યોગ સ્પર્ધાઓના વિજેતા ખેલાડીઓને ઈનામ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં દેશભક્તિ અને યોગનો સમન્વય કરતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા મહિલા ફૂટબોલ રમત કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલા ખેલાડીઓની મુલાકાત કરી હતી અને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, ધારાસભ્ય અમિતભાઇ શાહ, અમૂલભાઈ ભટ્ટ, કૌશિકભાઈ જૈન તથા રાજ્ય યોગ બોર્ડના પદાધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!