મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચંદ્રના પ્રાગટ્ય દિન- રામનવમીની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. આ અંગે પ્રતિવર્ષ રામનવમીની ઉજવણીનું આયોજન કરનાર શ્રી હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટના અવિનાશ ભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, સનાતન હિન્દુ ધર્મના ઇષ્ટદેવ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચંદ્રજીનો ચૈત્ર સુદ નોમના દિવસે પ્રાટગ્ય દિવસ હોય રામનવમીની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ખાસ કરીને ૩૦ માર્ચ ગુરૂવારના બપોરના ૩ઃ૩૦ વાગ્યેથી ભગવાન રામચંદ્રજીની પાલખી યાત્રા યોજાશે. શહેરના ઉપરકોટ સ્થિત રામજી મંદિર ખાતેથી પાલખી યાત્રાનો પ્રારંભ થશે. શહેરના વિવિધ માર્ગો પર પાલખી યાત્રા ફરશે જેમાં વિવિધ ફ્લોટ્સ પણ જાેડાશે.પાલખી યાત્રાનું શહેરમાં વિવિધ સ્થળે વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત- સન્માન કરાશે. જ્યારે રાત્રિના ૮ઃ૩૦ વાગ્યે પાલખી યાત્રા સ્વામિનારાયણ ચોક જવાહર રોડ ખાતે સંપન્ન થશે. બાદમાં રાત્રિના ૯ઃ૩૦ વાગ્યે ગિરનાર રોડ સ્થિત મયારામદાસજી આશ્રમ ખાતે ધર્મસભા યોજાશે. આ ધર્મસભાને અનેક સંતો, મહંતો,ધર્માચાર્યો સંબોધિત કરશે. બાદમાં પાલખી યાત્રામાં જાેડાયેલા વિવિધ ફ્લોટસમાંથી આર્કષિત ફ્લોટ્સને વિજેતા જાહેર કરવામાં આવશે અને તેમને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.