૧ એપ્રિલ પછી દરરોજનાં ર હજારથી પણ વધારે કેરીનાં બોક્ષની આવક થશે
જેનો મીઠો મધુરો સ્વાદ લોકોનાં મુખમાં કાયમને માટે સ્મૃતિની માફક જળવાઈ રહ્યો છે અને ફળોમાં સૌથીસ વધારે જેની માંગ છે તે ફળોમાં સર્વ શ્રેષ્ઠ કેસર કેરી હવે નજીકનાં સમયમાં જ લોકોને મળી શકે તેમ છે. આ વર્ષે અચાનક કમોસમી વરસાદ અને માવઠુ થવાનાં પગલે કેસર કેરી સહિતનાં ઉત્પાદનોને ભારે અસર પહોંચી છે તેમ છતાં ફળોની રાણી, સ્વાદ, સુગંધ અને તેનાં કેસરી કલરનાં કારણે કેસર કેરી તરીકે પ્રખ્યાત તાલાલાની પ્રખ્યાત કેસર કેરીની જૂનાગઢનાં માર્કેટીંગ યાર્ડમાં આવક વધતા વેપારીઓ દ્વારા હરરાજી શરૂ કરવામાં આવી છે. હજુ પણ આગામી દિવસોમાં જથ્થાબંધ આવક થશે. આવક વધતા ભાવમાં પણ ઘટાડો થવાની શકયતા જાેવાઈ રહી છે. આ અંગે માર્કેટીંગ યાર્ડનાં ફ્રુટનાં વેપારી અગ્રણી અદ્રેમાનભાઈ પંજાએ જણાવ્યું હતું કે, છેલ્લા પ થી ૬ દિવસથી યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ હતી. જાેકે આ આવક સાવ લીમીટેડ બોક્ષ એટલે કે ૧૦, ૧પ કે ર૦ બોક્ષની હતી. દરમ્યાન સોમવારે ખુલતી બજારે તાલાલાની પ્રખ્યાત કેસર કેરીનાં ૩પ૦ થી ૪૦૦ બોક્ષની આવક થઈ હતી જેનાં કારણે માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની હરરાજી શરૂ કરવામાં આવી છે. વર્ષભર જેની ભારે આતુરતાથી ફળરસિયા રાહ જાેતા હોય છે તે કેસર કેરીની આવક વધતા વેપારીઓએ કેસર કેરીની હરરાજીનાં શ્રી ગણેશ કર્યા છે. કેસર કેરીમાં ૩ પ્રકારની આવક મુજબ ભાવ નક્કી થયા હતા. ૧ નંબર કેરી માટે ૧૦ કિલોનાં બોક્ષનો ભાવ ૧,૬૦૦ થી લઈને ર,૦૦૦ સુધીનો બોલાયો હતો. જયારે ર અને ૩ નંબરની કેરીનો ભાવ ૧૧૦૦ થી ૧૬૦૦થી સુધીનો બોલાયો હતો. હજુ પણ આવક વધવાની છે. જેમ આવક વધશે તેમ ભાવમાં પણ ઘટાડો થશે. પરિણામે સામાન્ય લોકો પણ આસાનીથી કેસર કેરી ખાઈ શકશે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં હાલ તાલાલાની પ્રખ્યાત કેસર કેરીનાં ૩પ૦ થી ૪૦૦ બોક્ષની આવક શરૂ થ છે. હજુ ૧ એપ્રિલ પછી દરરોજનાં અંદાજે ૧પ૦૦ થી ર૦૦૦ બોક્ષની આવક થશે. આમ, કેરીની ભરપુર આવક થવાની છે.