પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આગામી તા.૩૦ માર્ચ થી તા.૩ એપ્રિલ સુધી યોજાનાર માધવપુર ઘેડના મેળામાં રાજ્ય સરકાર દ્વારા ઉત્તર પૂર્વ રાજ્ય અને ગુજરાતની સૌરાષ્ટ્રની સંસ્કૃતિના સમન્વય સમા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કલાકૃતિઓની પ્રસ્તુતિની સાથે આ વખતે ભગવાનના વિવાહ પ્રસંગ બાદ દ્વારકામાં પણ ઉત્સવ ઉજવાય તે માટે વિશેષ આયોજન કરવામા આવ્યું છે. તા. ૩ એપ્રિલના રોજ યોજાનાર કાર્યક્રમમાં લોકો વિવિધ કાર્યક્રમો માણી શકે અને દ્વારકામાં નીકળનારી શોભાયાત્રા અંતર્ગત વિવિધ સુવિધાઓ જળવાઈ રહે અને સારો ઉત્સવ થાય તે માટે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રશાસન સાથે દ્વારકા ખાતે ખાસ મીટીંગ યોજી હતી. જેમાં અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા સહિત સ્થાનિક તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં અહીં યોજાનારા કાર્યક્રમના આયોજનની સમીક્ષા પણ કરી હતી. દ્વારકામાં આ કાર્યક્રમો અંગે અગ્ર સચિવએ સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં સંબંધિત તંત્રના અધિકારી રાવલ તેમજ સાંસ્કૃતિક વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થત રહ્યા હતા.