અરજી કર્યાના ગણતરીના દિવસોમાં લોન મંજૂર અને હાઇડ્રોલિસ પ્રેસ મશીન મળી ગયું
અશ્વિનભાઈ વાઘેલાને પોતાના ધંધાના વિકાસ માટે રૂપિયા પાંચ લાખની જરૂર હતી. આ રૂપિયા ક્યાંથી મેળવવા તેની તેમને ચિંતા હતી. જાે કે ગુજરાત સરકારની વાજપેઈ બેન્કેબલ યોજનાએ તેમની આ ચિંતાનું નિવારણ કર્યું છે. લોન માટે અરજી કર્યાના ગણતરીના દિવસોમાં જ તેમને રૂપિયા પાંચ લાખની સહાય મળી ગઈ છે અને તેઓએ પોતાના ધંધાના કામ જરૂરી મશીન પણ લાવી દીધું છે. આ માટે તેઓ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરે છે. “સાથ, સહકાર અને સેવા”ની ભાવના સાથે કામ કરતી ગુજરાત સરકારે હાલમાં સુશાસનના ૧૦૦ દિવસ પૂર્ણ કર્યા છે. આ ૧૦૦ દિવસમાં હસ્તકલા કારીગરોના કલ્યાણ માટે જે ગતિશીલ કામગીરી થઈ છે, તેનું એક ઉદાહરણ જસદણના અશ્વિનભાઈ વાઘેલા છે. ૩૧ વર્ષીય અશ્વિનભાઈ ઘેલાભાઈ વાઘેલા આર્ટિજન કારીગર છે. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી ‘સદગુરૂ હેન્ડીક્રાફ્ટ’ નામથી ડ્રાયફ્રૂટ્સ બોક્સ, બેંગલ બોક્સ, ગિફ્ટ પેકિંગ બોક્સ જેવા ડેકોરેટેડ બોક્સ, ડેકોરેટેડ બાજાેઠ વગેરેનું ઉત્પાદન કરે છે. તેઓ માતા-પિતા, પત્ની, બે બાળકો તેમજ ભાઈ-બહેનના સંયુક્ત પરિવારમાં રહે છે. પરિવારની કમાણીનો મુખ્ય આધાર અશ્વિનભાઈ છે. અશ્વિનભાઈને ધંધાના વિકાસ માટે, બોક્સ પર ડિઝાઈન પાડવાના કામને આગળ વધારવા માટે હાઇડ્રોલિક પ્રેસ મશીન ખરીદવા માટે રૂપિયા પાંચ લાખની જરૂર હતી. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે, એકસાથે આટલા રૂપિયાની વ્યવસ્થા થઈ શકે. અશ્વિનભાઈ નાણાંને લઈને ચિંતામાં હતા. દરમ્યાન તેમને રાજકોટમાં હસ્તકલા સેતુ યોજના કચેરી મારફતે વાજપેઈ બેન્કેબલ યોજનાની માહિતી મળી હતી. કચેરીના સ્ટાફે આ યોજના કેવી રીતે કારીગરોના કલ્યાણ માટે મહત્વની છે, તે સમજાવ્યું તેમજ લોન માટે જરૂરી કાગળો તૈયાર કરવામાં મદદ કરી. આથી અશ્વિનભાઈએ લોન માટે અરજી કરી હતી. આ અરજી અને લોન મંજૂર થવાની પ્રક્રિયા કેવી સરળ અને ઝડપી રહી તે અંગે અશ્વિનભાઈના પોતાના શબ્દોઃ ‘હસ્તકલા સેતુ યોજનાના સ્ટાફે મને સરસ માર્ગદર્શન આપ્યું. બેન્કમાં માત્ર આઠ જ દિવસમાં (રજા સહિતના દિવસો) તમામ કાગળિયાની કામગીરી પૂર્ણ થઈ ગઈ. અરજીના બે મહિનામાં જ રૂપિયા પાંચ લાખની લોન મંજૂર થઈ ગઈ અને મારા યુનિટમાં હાઇડ્રોલિક પ્રેસ મશીન પણ આવી ગયું છે. આ બધી પ્રક્રિયા આટલી સરળ હશે તેની મને કલ્પના પણ નહોતી.’ વધુમાં અશ્વિનભાઈ કહે છે ‘ગુજરાત સરકારની વાજપેઈ બેન્કેબલ યોજનાની મને ખૂબ મોટો ફાયદો થયો છે. હું ખૂબ ખુશ છું. આ યોજનાથી હસ્તકલા કારીગરોને ખૂબ ફાયદો થાય છે. આ યોજનાનો લાભ આપવા માટે ગુજરાત સરકારને ‘થેન્ક યુ” કહું છું.’