જૂનાગઢ શહેરમાં ‘વોકળા’ કેટલા ? સફાઈની સાથે સર્વે કરવા માંગ

0

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વોકળા ઉપરના કથિત દબાણોને દુર કરવા મનપા પાસે કોઈ ઉકેલ છે ખરો ?

આગામી ચોમાસાના ધ્યાને લઈ અને મનપા તંત્ર દ્વારા શહેરમાં આવેલા વોકળાની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત ૩૦ મે સુધીમાં ર૮ વોકળા સફાઈ કરવાની ગાઈડલાઈન છે અને તે પુરી કરવા તંત્ર સજ્જ બન્યું છે. દરમ્યાન જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટાપાયે ગેરકાયદેસર દબાણો થયા હોવાની વ્યાપક ફરિયાદ રહેલી છે. ખાસ કરીને શહેરના ચોક્કસ વિસ્તારના વોકળા ઉપર ઈમારતો ખડકાય ગઈ હોવાના બનાવો જગ જાહેર છે પરંતુ આવા દબાણો દુર કરવા માટે તંત્રના હાથ હેઠા પડતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે. હાલ વોકળાની સફાઈ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સૌથી પહેલા તો જૂનાગઢ શહેરમાં વોકળા કેટલા છે ? તે અંગેનો પણ સર્વે કરવા માંગ ઉઠી છે. જૂનાગઢ મહાનગરમાં આવેલ નાના મોટા ૨૮વોકળાની સફાઇ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. પ્રિ-મોન્સૂન અંતર્ગત આ કામગીરી કરાઇ રહી છે. ત્યારે વોકળામાંથી ગંદકી, પ્લાસ્ટિક, ઝાડી, ઝાંખરા તો દૂર થશે. પરંતુ વોકળામાં થયેલા દબાણો દૂર થશે ખરા ? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. ખાસ તો વોકળામાં કે વોકળાના કાંઠે દબાણ કરી વોકળા નાના કરી દેવાયા છે. તેને કારણે ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે વોકળા સફાઇની સાથે વોકળાના દબાણને પણ દૂર કરવા જરૂરી બન્યા છે. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકામાં ૮ મોટા અને ૨૦ નાના મળી કુલ ૨૮ વોકળા આવેલા છે. ૧ મેથી વોકળા સફાઇની કામગીરીની શરૂઆત કરાઇ છે અને ૩૦ મે સુધીમાં તમામ વોકળાની સફાઇ પૂરી કરવાનું લક્ષ્યાંક છે. હાલ ૨ જેસીબી, ૩ ટ્રેકટર, ૧૦ મજૂરો, ૨ સુપરવાઇઝરની સાથે વોકળા સફાઇની કામગીરી હાથ ધરાઇ રહી છે. હાલમાં આ કામગીરી માત્ર કોર્પોરેશનની મશીનરી અને મેન પાવરથી થઇ રહી છે જેમાં ૪ વોકળાની સફાઇ થઇ ગઇ છે. જાેકે, વચ્ચે થયેલા કમોસમી વરસાદ- માવઠાના કારણે કામગીરી બંધ રહી હતી. લોકોને વોકળા સફાઇની ફરિયાદ હોય તો ૮૫૧૧૧૭૧૫૭૯ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છેે. વધુમાં મળતી વિગત અનુસાર વોકળામાં દબાણ થયાની ૫ અરજી આવી છે. માત્ર અરજી કર્યાથી દબાણ થયાનું સાબિત નથી થઇ જતું. જૂના લેઆઉટ, સ્થિતી જાેવી પડે. રેવન્યુ રેકર્ડ ઉપર વોકળા છે કે નહિ ? તે પણ જાેવું પડે. માત્ર પાણી નિકાલનો માર્ગ તો નથીને ? વિલેજ મેપમાં, રેકર્ડમાં દર્શાવેલ હોય તો તે મુજબ ચેક કરી બાદમાં કાર્યવાહી કરાય છે તેમ સિનીયર ટાઉન પ્લાનિંગ ઓફિસર બીપીન ગામીતે જણાવ્યું છે. વધુમાં શહેરમાં વોકળા દેખાતા જ નથી. કોર્પોરેશન બન્યું ત્યારની વોકળાની લંબાઇ અને પહોળાઇ તેમજ આજની સ્થિતીમાં વોકળાની લંબાઇ અનેપહોળાઇ માપી લે એટલે કોઇ અરજી કરે કે ન કરે દબાણ થયું છેકે નહિ તે આપોઆપ જાણી શકાય તેમ છે. વોકળાના દબાણના કારણે પાણી નિકાલ અટકી જતા ગત વર્ષે ઝાંસીની રાણીના સર્કલ પાસેની દિવાલ ઘસી પડી હતી. લોકોના ઘરમાં પાણી ભરાઇ ગયા હતા. ઝાંઝરડા ગરનાળું કલાકો સુધી સ્વિમીંગ પુલ બની જાય છે. જાે આને આ સ્થિતી રહી તો એ દિવસો દૂર નથી જ્યારે ચોમાસમાં હોડી લઇને નિકળવું પડે તેમ વોર્ડ નંબર-૬ના કોર્પોરેટર લલીત પણસારાએ જણાવ્યું હતું.

error: Content is protected !!