“૧૦૮ એમ્બ્યુલન્સ સેવા”માં આવતા ગર્ભાવસ્થા સંબંધિત કેસોની જટિલ પરિસ્થિતિઓમાં જરૂરી સમયસૂચકતા દાખવી ઈ.એમ.ટી.ની મદદથી પ્રસુતાઓની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવે છે. આવા જ કિસ્સામાં રાજકોટ જિલ્લાના સાણથલી અને સરધારની પ્રસુતાઓ માટે ૧૦૮ સેવા આશીર્વાદરૂપ બની હતી. ઈ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસનાં પ્રોગ્રામ મેનેજરશ્રી અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝરશ્રી દર્શિત પટેલના જણાવ્યા મુજબ, સાણથલી ગામના ૨૪ વર્ષીય વનિતાબેન મકવાણાને પ્રસવ પીડા શરૂ થતાં કોલ મળ્યાની ગણતરીની મિનિટોમાં જ જસદણ ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, અને તાત્કાલિક ડિલિવરી કરાવવી જરૂરી જણાતા ઈ.એમ.ટી. ઈન્દ્રજીતભાઈ ડાંગર અને પાયલોટ દેવાયતભાઈ રાઠોડએ એમ્બ્યુલન્સ સાઈડમાં જ ઊભી રાખી ૧૦૮ હેડ ઓફિસનાં ડો. સુનિતાની ટેલીફોનીક મદદ મેળવી સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી હતી. પ્રસુતાના ગર્ભમાં રહેલું બાળક ઊંધું થઈ ગયું હોવા છતાં ૧૦૮ નાં કાબેલ સ્ટાફે પ્રસુતાની નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવ્યો હતો અને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અપાઈ હતી. આવા જ એક અન્ય જટિલ કેસમાં સરધાર ૧૦૮ની ટીમે સમયસૂચકતાપૂર્વક માતા અને બાળકને જીવતદાન આપ્યું હતું. સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતિ માટે આવેલા સરધાર ગામના ૩૦ વર્ષીય ખેતમજુર બહેનના ગર્ભસ્થ બાળકની ડોક ફરતે ગર્ભનાળ વીંટળાઇ જવાથી સતત બે કલાકની મથામણ બાદ પણ પ્રસુતિ શકય ન બનતાં પ્રસુતાને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમ્યાન જ રસ્તામાં જ પ્રસુતિ કરાવવી જરૂરી જણાતા ૧૦૮ ની ટીમનાં ઈ.એમ. ટી. બિપિન બાવળીયા અને પાયલોટ રામભાઈએ ૧૦૮ હેડ ઓફિસનાં ડો. ક્રિષ્નાની ટેલીફોનીક મદદ મેળવી સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો, અને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડયા હતા.