પ્રકૃતિના જતન, સંરક્ષણ અને સંવર્ધન સાથેનીવૃતિ ધરાવતો પ્રવૃત વિકાસ તરફ ગતિ સાથે પ્રગતિ કરતો રાજકોટ જિલ્લો છેલ્લા પાંચ વર્ષમાં ૧૫૪૮.૫૦ હેકટર જમીનમાં કરાયું વૃક્ષારોપણ

0

ટકાઉ વિકાસની સંકલ્પનાને સાર્થક કરવા “વૃક્ષ ખેતી યોજના” હેઠળ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૮૫ લાભાર્થીઓને રૂા.૧૨.૮૦ લાખની સહાય ચુકવાઈ : મિયાવાકી પધ્ધતિ હેઠળ ઈશ્વરિયા પાર્ક-ગોંડલ તાલુકામાં “વન કવચ” તૈયાર કરાશે

“કુદરતિ પ્રકૃતિ” શબ્દ સાંભળતાની સાથે જ ધરતી, આકાશ, પહાડ, જળ અને વૃક્ષો સહિતના કુદરતના અમુલ્ય તત્વો આપણા મનોચક્ષુ સમક્ષ આવી જાય છે. ધોમધખતા તાપમાં વૃક્ષનો છાંયડો કેટલો વ્હાલો લાગે! સુકાતા ગળાની તરસ છીપાવતું પાણી અમૃત સમું લાગે છે ત્યારે સમજાય કે પ્રકૃતિ વિના આપણે કેટલા પાંગળા છીએ. મનુષ્યના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પર્યાવરણના અસ્તિત્વને ટકાવવું ખુબ જરૂરી છે. તેથી રાષ્ટ્રના ટકાઉ વિકાસ અને માનવકલ્યાણ હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કલાઇમેટ ચેન્જ અને હરિયાળી ક્રાંતિને અગ્રતા આપીને જળ સંચય, ભુમિ સંરક્ષણ, વનીકરણ જેવી મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ જિલ્લો પણ પ્રકૃતિના જતન, સંરક્ષણ અને સંવર્ધાન સાથે વિકાસ તરફ આગેકૂચ કરી રહ્યો છે. રાજકોટને હરિયાળુ બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરાયેલી કામગીરી અંગે વિગતવાર માહિતી આપતા નાયબ વન સંરક્ષકશ્રી તુષાર પટેલે જણાવ્યું હતું કે, સ્ટ્રીપ પ્લાન્ટેશન, ગ્રામ વાટીકા, ફાર્મ ફોરેસ્ટ્રી જેવી વિવિધ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં જિલ્લામાં ૧૫૪૮.૫૦ હેકટર જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સામાજિક સંસ્થાઓનાં સહયોગથી લોકભાગીદારી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧માં ૬૬,૫૬૫, વર્ષ ૨૦૨૧-૨૨માં ૨,૯૩,૬૧૦ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૧,૩૯,૦૯૪ સહિત કુલ ૪,૯૯,૨૬૬ રોપાઓનું વાવેતર કરી વૃક્ષારોપણ અને રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. નાગરિકોનો પ્રકૃતિ સાથેનો નાતો મજબુત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા “રામવન” અને “શક્તિવન” બનાવવામાં આવ્યા છે. જેમાં મહત્તમ ઔષધિય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર તો બન્યા જ છે સાથો સાથ આસપાસના વિસ્તારને શુદ્ધ પણ રાખી રહ્યા છે. ઉપરાંત “નમો વડ વન યોજના” અંતર્ગત વિવેકાનંદ પાર્ક, આજી ડેમ તથા જામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામે “વડ વન” તૈયાર કરવામાં આવ્યા છે. દરેક વડ વનમાં ૭૫ વડના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજકોટમાં વન વૈભવની સાથે શહેરી વિસ્તારમાં પ્રદૂષણ ઘટાડવા, પાણીનો સંગ્રહ અને હરિયાળી વધારવા, ગરમીની અસર ઘટાડવા અને નાગરિકોને શુદ્ધ હવા સાથેનું પર્યાવરણ ઉપલબ્ધ બનાવવા માટે મનોરંજન સાથેનું રમણીય વાતાવરણ પૂરૂ પાડવા “નગરવન” યોજના હેઠળ પ્રદ્યુમન પાર્ક નજીક વિવેકાનંદ પાર્કમાં કુલ ૧ હેકટર જમીનમાં “નગરવન” તૈયાર કરવામાં આવનાર છે. જેમાં વિવિધ રાશિ મુજબના રોપાઓનું વાવેતર કરી “રાશીવન”, ઔષધીય મહત્તા ધરાવતા રોપાઓનું વાવેતર કરી “આયુર્વેદિક વન”, સ્થાનિક રોપાઓનું વાવેતર કરી “અશોકવાટિકા”નું નિર્માણ કરવામાં આવશે. જેમાં મુલાકાતીઓ માટે બેસવાના બાંકડા, વોકિંગ અન સાઈકલીંગ માટેના રસ્તા સહિત માહિતી અને વિસ્તરણ કેન્દ્રની સ્થાપના, કિઓસ્ક, ડિસ્પ્લે બોર્ડ, સાઈનેજ વગેરે જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. પર્યાવરણના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળુ બનાવવાના હેતુથી જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મીયાવાંકીની વનીકરણ પધ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વનવિભાગની “વન કવચ યોજના” હેઠળ રાજકોટ જિલ્લામાં પડતર જમીનને હરિયાળી બનાવવા ૦.૭૫ હેકટર વિસ્તારમાં ઈશ્વરીયા પાર્ક અને ગોંડલ તાલુકાના જામવાડી જી.આઈ.ડી.સી.ની બાજુમાં ૧ હેકટર વિસ્તારમાં વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે. જેના કારણે જૈવવિવિધતા વિકસશે અને બે વર્ષના ટૂંકાગાળામાં જ વિકાસ પામેલ વન કવચ જુદા-જુદા પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન બની શકશે. નાગરિકો કુદરતી સંપદાઓના જતન સાથે આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ પણ પર્યાવરણની સુરક્ષા ક્ષેત્રે અગત્યનો ભાગ ભજવી રહી છે ત્યારે આયોજન શાખાનાં મહેશભાઈ કંટારીયાએ જણાવ્યું હતું કે, ટકાઉ વિકાસની સંકલ્પનાને સાર્થક કરતી “વૃક્ષ ખેતી યોજના” તળે જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૬૦.૦૦ હેક્ટરનાં વાવેતર માટે ૧૮૫ લાભાર્થીઓને રૂા.૧૨.૮૦ લાખની સહાય ચુકવવામાં આવી હતી. બળતણના બચાવ અને સ્વાસ્થ્ય સુધારા, સ્વચ્છતા અભિયાન હેઠળ ૫૫ ગ્રામજનોને વિનામુલ્યે નિર્ધૂમ ચુલા ફાળવવામાં આવ્યા હતા. “વિકેન્દ્રીત પ્રજા નર્સરી” યોજના તળે કુલ ૪૯ લાભાર્થીઓને ૭.૭૦ હજાર જેટલા રોપા ઉછેરવા આપ્યા હતા. ઉપરાંત વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૫ કિશાન શિબિર અને ૧૮ પ્રાકૃતિક શિક્ષણ શિબિરો કરીને લોકોનો પ્રકૃતિ સાથેનો સંબંધ વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં “વન મહોત્સવ” હેઠળ ૯૭.૬૫ લાખ રોપાઓ ઉછેર્યા છે. વર્ષ ૨૦૨૩-૨૪ના ૭૪માં “વન મહોત્સવ” અંતર્ગત જુદાજુદા મોડેલ હેઠળ આશરે ૩૧૬ હેકટરમાં ૩,૦૯,૯૭૭ રોપાઓનું વાવેતર કરીને રાજકોટના વન વૈભવમાં વધારો કરાશે.

error: Content is protected !!