જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના માંગરોળ અને માળિયા હાટીના તાલુકાના પ્રવાસ બાદ અધિકારીઓ સાથે બેઠક યોજી, લોકો માટે જરૂરી સુવિધા અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપતા મંત્રી : દરિયાકાંઠા નાળિયેરી સહિતની બાગાયત ખેતી વિસ્તારમાં વાવાઝોડાથી નુકસાનના સર્વે માટે ૬૦ ટીમોની પણ રચના : સાયકલોન સેલ્ટર હોમમાં કોમ્યુનિટી કિચન શરૂ કરી : લોકોને ભોજન સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી
ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ, જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના માંગરોળ અને માળીયાહાટીના તાલુકાની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત બાદ તેમણે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વાવાઝોડાની સ્થિતિમાં લોકો માટે જરૂરી સુવિધા અને વ્યવસ્થાઓ માટેની સૂચનાઓનો ધરાતલ ઉપર અમલવારી થાય તે માટે સ્પષ્ટ નિર્દેશો પણ તેમના દ્વારા આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં મંત્રીએ માંગરોળ અને માળિયાના દરિયાકાંઠા ગામોમાં વીજ પુરવઠો મળી રહે તે માટે સૂચના આપી હતી. બંધ હાલતમાં હોય તેવા ફીડર ક્યાં કારણોસર બંધ તેનો રિપોર્ટ સુપ્રત કરવા માટે પણ તેમણે જણાવ્યુ હતુ. જિલ્લાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં પીવાના પાણી માટે લોકોને અગવડ ન પડે તે માટે ટેન્કરથી પણ લોકોને પીવાનું પાણી પૂરૂ પાડવા માટે વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. માંગરોળ અને માળીયાહાટીના તાલુકામાં સાયકલોન સેલ્ટર હોમમાં લોકોને ભોજન સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું. આ બેઠકમાં સ્થાયી ન હોય તેવા હરતા-ફરતા માલધારીઓ પોતાના પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખે તે જરૂરી કાર્યવાહી કરવા માટે નિર્દેશ મંત્રએ આપ્યા હતા. પશુઓ માટે ઘાસચારા વ્યવસ્થા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. સેવાકીય સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવેલા ફૂડ પેકેટને યોગ્ય રીતે સેલ્ટર હોમ સહિત જરૂરિયાતમંદો સુધી પહોંચે તે માટે વ્યવસ્થાઓ કરવા માટે જણાવ્યું હતું. સેલ્ટર હોલમાં કોમ્યુનિટી કિચન શરુ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. દરિયાકાંઠા નાળિયેરી સહિતની બાગાયત ખેતી થાય છે. ત્યારે વાવાઝોડાથી નુકસાનના સર્વે માટે ૬૦ ટીમોની પણ રચના કરવામાં આવી છે. કોઈ અઇચ્છનિય બનાવ ન બને તે માટે ખાનગી બસોની મુવમેન્ટ અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. બિપરજાેય વાવાઝોડાનો સામનો કરવા માટે મંત્રી દ્વારા સમયની મર્યાદા હોવાથી યુદ્ધના ધોરણે કામગીરી હાથ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ, કલેકટર અનિલકુમાર કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમશેટ્ટી અને અધિક કલેકટર પી.જી.પટેલ સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.