બાગાયત વિભાગની પ્લગ નર્સરી યોજના અન્વયે રોપા ઉછેર કરી વર્ષે ૬ લાખથી વધુનો નફો મેળવતા સરકારનો આભાર વ્યક્ત કરતા રાજકોટ જિલ્લાના ખેડૂત અરવિંદભાઈ નંદાણી
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વાવણીથી વેચાણ સુધી અનેક યોજનાઓનો લાભ આપી સમૃદ્ધ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના ખેડૂતો માટે વાવણી સમયે બીજ, ખાતર, પાક રક્ષણ અને સંવર્ધન, વેચાણ, તેના સંગ્રહ વગેરે માટે વિવિધ યોજનાઓ કાયાર્ન્વિત કરી છે. રાજ્યમાં બ, જેમાં બાગાયતી ખેતી પણ અગત્યની પુરવાર થઇ રહી છે. બાગાયત વિભાગની રાજયસરકારની વેજીટેબલ પ્લગ નર્સરી અને ફ્રુટ નર્સરી યોજનાનો રાજકોટ જિલ્લામાં ઘણા ખેડૂતો લાભ લઇ રહ્યા છે. રાજકોટમાં બેડી ગામે નિલકંઠ નર્સરી નામે વેજીટેબલ પ્લગ નર્સરી ચલાવતા અરવિંદભાઈ નંદાણી જણાવે છે કે, આ યોજનામાં અમે શાકભાજીના રોપા તૈયાર કરીએ છીએ. સામાન્ય રીતે ખેડૂત કોઈ પણ બીજનું ખેતરમાં વાવેતર કરે તેમાંથી કેટલા અંશે રોપા ખીલશે તેનું કોઈ ચોક્કસ માપ હોતું નથી, ત્યારે પ્લગ નર્સરીમાં ખાસ શીટમાં નાના રોપા તૈયાર કરી આપવામાં આવે છે. ખેડૂતોએ આ તૈયાર રોપા પોતાના ખેતરમાં વાવી તેને ખાતર અને પિયત જ આપવાનું રહે છે. તૈયાર રોપા વાવવાથી ખેડૂતોને બિયારણ નિષ્ફળ જવાની ભીતિ પણ રહેતી નથી અને ખૂબ ટૂંકા સમયમાં રોપા ઉપર પાક એટલે કે શાકભાજી આવવા લાગે છે. આમ તૈયાર રોપાથી ખેડૂતોને ટૂંકા સમયમાં પાક મળી રહે છે જેનું તેઓ વેચાણ કરી સારો બજાર ભાવ મેળવી શકે છે. હાલ અમારી નર્સરીમાં અમે કોબી, ફલાવર, મરચી, ટમેટી, રીંગણ અને ફૂલમાં ગલગોટાના રોપાનું વાવેતર કરીએ છીએ. અરવિંદભાઈએ પ્લગ નર્સરી વિષે વધુમાં જણાવ્યું હતું કે, રોપા માટે એક મહિનાની સાયકલ હોય છે, જેમાં રોપા તૈયાર થઈ જાય છે. ગત વર્ષે તેઓએ ૩૫ લાખ જેટલા રોપા તૈયાર કરી વેચેલ છે. જેમાંથી તેમને ગત વર્ષે પાંચ થી છ લાખ જેટલા રૂપિયાની આવક થઈ છે. આ વર્ષે હાલ સુધીમાં ૯ લાખ જેટલા રોપાનુ વેચાણ થઈ ચૂક્યું છે. વર્ષ દરમ્યાનમાં રોપાની આવી ૪ સાયકલ કરવામાં આવે છે. ફેબ્રુઆરી થી જૂન તેમજ ઓક્ટોબરથી નવેમ્બર માસમાં આ રોપાનો ઉછેર અને વેચાણ થાય છે. રોપા માટે ખેડૂતની માંગ મુજબ સુધારેલ અને દેશી બિયારણ બિયારણની જાતોનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ અરવિંદભાઈના ૮ એકરના નેટ હાઉસમાં આ રોપાનો ઉછેર કરવામાં આવે છે. આ નેટ હાઉસ તેમજ પ્લગ નર્સરી માટે સ્ટેન્ડ, તેના પ્લેટ અને અન્ય જરૂરી સાધન સામગ્રી વેજીટેબલ પ્લગ નર્સરી યોજના અંતર્ગત જ તેમને મળેલ છે. અરવિંદભાઈએ આ યોજના હેઠળ મળતા લાભ બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, પ્લગ નર્સરી માટે મને થયેલ ખર્ચમાં સરકારની સહાય મળતા રૂા.૭ લાખથી વધુની રકમ મને પરત સબસીડી હેઠળ મારા બેંકના ખાતામાં મળી ગયા હતા. સાથ જ સૌ અધિકારીઓનું માર્ગદર્શન ખૂબ સારૂ મળી રહ્યું હોવાથી આજે આસપાસના અનેક ખેડૂતો અમારી નર્સરીના તૈયાર કરેલા રોપાનું વાવેતર કરે છે. સરકારની આ યોજનાથી મારી નર્સરી માટે મને ખૂબ મદદ મળી છે, આ માટે હું મુખ્યમંત્રીનો ખૂબ આભારી છું. સરકાર દ્વારા આ યોજનામાં સામાન્ય જાતિના ખેડૂતને કુલ ખર્ચના ૬૫ ટકા અને અનુસૂચિત જાતિના ખેડૂતને ૭૫% સહાય આપી સ્ટ્રક્ચર ઊભું કરવા માટે મદદ કરવામાં આવે છે. આ માટે ખેડૂત પાસે ઓછામાં ઓછી ૨૦૦ ચોરસ મીટરથી મહત્તમ ૫૦૦ ચોરસ મીટર એટલે કે બે ગુઠાથી પાંચ ગુઠાની જમીન હોવી જરૂરી છે. આ માટે ખેડૂતે પોતાની જમીનના ૭-૧૨ અને ૮-અ કાગળો સાથે ઓનલાઇન અરજી કરવાની હોય છે. ત્યારબાદ સરકાર દ્વારા નિયત કરેલ સ્ટ્રક્ચર બનાવનાર કંપની ડિઝાઇન અને ક્વોટેશન આપે છે સાથે જ ખેડૂત તેની સાથે એમ.ઓ.યુ કરે છે જે પણ ઓનલાઇન અરજીમાં ત્યારબાદ જાેડવાનું રહે છે. મંજૂરી મળતા ખેડૂતે કંપની સાથે રહી નર્સરી માટેનું સ્ટ્રક્ચર તૈયાર કરવાનું રહે છે, રોપા માટે બિયારણ કઈ કંપનીના વાપરવા તે ખેડૂત નક્કી કરે છે. વાર્ષિક ૬ લાખથી વધુના લાભ અને ૫૦ થી ૬૦ લાખ રોપા ઉછેર કરવાના લક્ષ્ય સાથે અરવિંદભાઈ આ વ્યવસાયમા આગળ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ખેડૂત સમૃદ્ધિના માર્ગે નવતર પ્રયોગ સાથે આગે કદમ કરી રહ્યો છે, તે બાબત આપોઆપ પુરવાર થાય છે.