ભાણવડ તાબેના ગુંદા ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના બે ભાઈ-બહેન ગઈકાલે મંગળવારે ઘાતક વીજશોકનો ભોગ બન્યા હતા. આ કરૂણ બનાવની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના ધરણીયા ગામના વતની અને હાલ મોટા ગુંદા ગામે રહેતા એક આસામીને ત્યાં કામ કરતા વિનોદભાઈ બાબુડાભાઈ ડામોર નામના ૧૮ વર્ષના યુવાન તથા તેમના પત્ની મંગળવારે બપોરે આશરે એકાદ વાગ્યે પોતાના ઘરે જમવા બેસતા હતા. ત્યારે તેઓને આ સ્થળે હળવા વિજ આંચકાનો અનુભવ થયો હતો. બાદમાં આ સ્થળેથી નીકળી જવા માટે સૌપ્રથમ વિનોદભાઈના પત્ની બહાર નીકળ્યા હતા. ત્યારબાદ પાછળ વિનોદભાઈ તથા તેમની ૧૩ વર્ષની બહેન પ્રિયંકા નીકળવા જતા આ બંને ભાઈ-બહેનને જાેરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેથી બંનેને મૂર્છિત અવસ્થામાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબોએ બંનેને મૃત્યું પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતક વિનોદભાઈના પત્ની વેસ્તીબેન(ઉ.વ. ૧૮)એ ભાણવડ પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યું અંગેની નોંધ કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી.