પ્રજા પાસેથી સફાઈવેરો ઉઘરાવતી નગરપાલિકા સફાઈના મામલે સદંતર નિષ્ફળ નિવડી છે. ચારેબાજુ ગંદકીના ઢગલા અને માખી, જીવજંતુઓના ભારે ઉપદ્રવ વચ્ચે રોગચાળાનો ખતરો મંડરાઈ રહ્યો છે. પાલિકામાં કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ સાથે રહેવાસીઓએ મામલતદાર સમક્ષ વ્યથા ઠાલવી આવેદન પાઠવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી વરસાદી ઝાપટાં વરસતા વિવિધ વિસ્તારોમાં એકઠા થયેલા કચરાના ઢગલામાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે. શહેરના કામનાથ રોડ, સિરાજ રોડ, સેક્રેટરી રોડ, જુના બસ સ્ટેન્ડ, માંડવી ગેઈટ, પાણીના ટાંકા પાસે, બહારકોટ ઉપરાંત અનેક સોસાયટીઓમાં દિવસોથી સફાઈ જ ન થઈ હોય તેવી બદતર હાલત છે. અનેક વિસ્તારોમાં પ્રિમોન્સુનની કામગીરી જ હાથ ધરવામાં આવી ન હોવાના આક્ષેપ ઉઠ્યા છે. ગંદા પાણી અને સડેલા કચરાથી નાલા ખદબદી રહ્યા છે. પરિણામે વરસાદ પડતાં જ તેમાંથી બદબુ ફેલાવતા પાણી રસ્તા પર વહે છે. સફાઈના અભાવે પાણીના નિકાલ માટે જમીનમાં કરવામાં આવેલા અનેક બોર બંધ હાલતમાં છે. સફાઈ અને સ્વચ્છતા માટે કોઈ તંત્ર જ અસ્તિત્વમાં ન હોય તેવા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. આઉટસોર્સિંગના સફાઈકર્મીઓને નિયત એજન્સી પુરતું અને નિયમિત વેતન ન આપતા હોવાના આક્ષેપો વચ્ચે જુજ સફાઈકર્મીઓ અને ન.પા.ના મર્યાદિત કાયમી સફાઈ કામદારોથી શહેરમાં સફાઈનું જેમતેમ ગાડું ગબડાવવાઈ રહ્યું છે. આરોગ્યના પ્રશ્ને આગેવાનોનું ભેદી મૌન લોકોને અકળાવી રહ્યું છે. ત્યારે સફાઈના મામલે નક્કર કામગીરી હાથ ધરવા લોકોમાંથી ઉગ્ર માંગ ઉઠી છે.