માનસીક રીતે અસ્થિર અને પરવશ વૃદ્ધને આશ્રય અપાવતી એલ્ડરલાઇન ૧૪૫૬૭

0

કેન્દ્ર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૬૦ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ માટે તમામ પ્રકારે મદદ પૂરી પાડવા હેલ્પલાઇન ૧૪૫૬૭ શરૂ કરવામાં આવી છે. આ એલ્ડરલાઈન અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે માહિતી, સલાહ, સ્થળ પર મદદ અને ભાવનાત્મક ટેકો એમ ચાર પ્રકારે સહાય કરવામાં આવે છે. આ માટે સવારના ૮ થી સાંજના ૮ વાગ્યા દરમ્યાન નેશનલ હેલ્પલાઈન ફોર સીનીયર સીટીઝન(એન.એચ.એસ.સી)નો સંપર્ક કરી શકાય છે. રાજકોટમાં એલ્ડરલાઈન દ્વારા માનસીક રીતે અસ્થિર અને પરવશ વૃદ્ધની જાણ થતા તેમના પરિવારની શોધખોળ હાથ ધરી આશ્રય અપાવવામાં આવ્યો હતો. એલ્ડરલાઇન ફિલ્ડ ઓફિસર રાજદીપ પરમારના જણાવ્યા અનુસાર વસંતભાઈ ઉતરવાડ નામના આશરે ૭૫ વર્ષની ઉંમરના વૃદ્ધ માનસીક સારવાર હેઠળ હતા. ત્રણ મહિનાથી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ વસંતભાઇ નિરાધાર હોવાથી એલ્ડર હેલ્પલાઇના ઓફિસરે હોસ્પિટલ ખાતે જઇ તેમનું કાઉન્સેલિંગ કરી તેમના પરિવાર વિશે પુછપરછ કરી તેનો સંપર્ક સાધવા પ્રયત્નો હાથ ધર્યા હતાં. તેઓ તેલુગુ અને અસ્પષ્ટ હિંદી બોલતા હોઇ ઘણી જહેમત બાદ માહિતી મેળવી શકાઇ હતી. તેઓ પરિવાર સાથે રહેવાની તીવ્ર ઇચ્છા ધરાવતા હતા અને અત્યંત ઉદ્વિગ્ન હતાં. તેમના જણાવ્યા અનુસાર તેઓને મહારાષ્ટ્ર અને તેલાંગાણા ખાતે રહેતા તેમના પરીવાર સાથે મળાવવા માટે રાજ્યોની એલ્ડરલાઇન અને સામાજિક ન્યાય મંત્રાલયોનો સંપર્ક કરીને તેમના સહયોગથી તપાસ કરાવવામાં આવી રહી છે. આ પ્રક્રિયા હાલ પ્રગતિ હેઠળ છે અને શારિરિક રીતે અશક્ત અને પરવશ એવા આ વૃદ્ધને પરિવાર દ્વારા તરછોડાયાની શંકા હોઇ કાયદેસર કાર્યવાહી માટે રાજ્યોની પોલિસની પણ મદદ લેવામાં આવી રહી છે. એલ્ડરલાઇન દ્વારા શિવાલય આશ્રમ સંચાલક નીતાબેન જાનીને આ અંગે વાત કરતા તેમણે આગળ આવીને જસાપર ગામે આવેલ શિવાલય આશ્રમ ખાતે વ્રુદ્ધને હાલ પુરતો આશ્રય આપ્યો છે, જ્યાં આશ્રમ દ્વારા તેમની સંભાળ લેવામાં આવી રહી છે.

error: Content is protected !!