એનિમલ હેલ્પલાઇનમાં રોજના સરેરાશ ૨૦૦ ફોન કોલ્સ મારફતે પ્રાણી-પંખીઓની સારવાર કરાવતા નાગરિકો
આપણું રોજિંદુ જીવન અનેક અબોલ જીવો સાથે પસાર થતું હોય છે. ગાય- ઘોડા-કુતરા-બિલાડી-સસલા-લવ બર્ડઝ – માછલી-ગીનીપીગ-કાચબા-કબૂતર-પોપટ વગેરે જેવા પાલતુ પ્રાણીઓ સાથે આપણો દરરોજનો નાતો છે. આ અબોલ જીવોના સંસર્ગથી મનુષ્યોમાં પ્રસરતી બીમારીઓને ઝૂનોટિક રોગો તરીકે ઓળખવામાં આવે છે. આ રોગો અંગે લોકો માટે જાગૃતિ કેળવવાનો દિવસ એટલે વિશ્વ ઝુનોસીસ ડે. ૬ જુલાઈ, ૧૮૮૫ના રોજ પ્રથમ વખત જીવવિજ્ઞાની લુઈ પાશ્ચરે માનવહિત માટે આવા રોગો અંગે સજાગ કરવા ઝુનોસીસ ડેની ઉજવણી શરૂ કરાવી હતી, તેમજ આ અંગેના રસીકરણની નોંધણી પણ કરાવી હતી. રાજ્ય સરકાર દ્વારા પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. પશુપાલન સંબંધિત પ્રવૃત્તિઓ અને યોજનાઓ માટે આ વર્ષના અંદાજપત્રમાં “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” અંતર્ગત રૂા.૫૦૦ કરોડની જાેગવાઈ કરાઈ છે. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ સેવાઓ માટે રૂા.૧૦ કરોડની જાેગવાઈ ૧૫૦ નવા સ્થાયી પશુ દવાખાના શરૂ કરવા રૂા.૧૦ કરોડની જાેગવાઈ. મુખ્યમંત્રી નિઃ શુલ્ક પશુ સારવાર દવાખાના માટે રૂા.૧૦૯ કરોડની જાેગવાઈ કરાઈ છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે ૪૭.૯૭ કરોડ ખર્ચ જેમાં ૭ પશુ નિદાન લેબોરેટરી અને ૧૦ વેટનરી કિલિકનો વિશેષ ઉપકરણોથી સજ્જ કરાશે જેના માટે ૧ કરોડ રૂપિયા મંજુર કરાયા છે. આ દિવસે વિશેષ રીતે પ્રાણીઓનું રાજયસરકાર દ્વારા રસીકરણ કરવામાં આવે છે, જેના આધારે તેઓ રોગમુક્ત રહી શકે છે. પશુપાલન વિભાગ દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમોં સાથે હડકવાના પ્રી-વેક્સિનેશન કેમ્પ રાજકોટના સદર બજાર અને પેડક રોડ ખાતે યોજાશે. આ અંગે પશુપાલક વિભાગના અધિકારી કરસન કટારાએ જણાવ્યું હતું કે, સામાન્ય પરિભાષામાં જે રોગ પશુ દ્વારા માનવમાં ફેલાય, તેમજ માનવથી પશુમાં ફેલાય તે ઝુનોસીસ છે. આજના સમયમાં વિશ્વ કક્ષાએ હડકવા અંગે લોકોમાં ખુબ સારી જાગૃતિ કેળવાયેલી છે પરંતુ બીજા અનેક રોગો અંગે અપૂરતી માહિતી છે. તદુપરાંત નવજાત શિશુને જે રીતે રસી આપવામાં આવતી હોય છે તે જ રીતે તમામ પાલતુ પ્રાણીઓને પણ રસી આપવાથી તે રોગમુક્ત રહી શકે, પાલતુ પ્રાણીઓની દેખભાળ ખુબ અગત્યની છે. એનિમલ હેલ્પલાઇનના ડો. નિકુંજ પીપળીયા જણાવે છે કે, અબોલ જીવોમાં બીમારીના વિવિધ લક્ષણો દેખાતા હોય છે તેમાં ચામડીના રંગમાં ફેરફાર, શરીરનું તાપમાન વધ- ઘટ થવું જેવા અનેક સામાન્ય અને અસામાન્ય લક્ષણો ઉપરથી તેઓના બ્લડ તેમજ વિવિધ રીપોર્ટ કરી તેઓને સારવાર અપાય છે. તેઓને પશુ- પક્ષીઓના માટે નિયમિત દરરોજ આશારે ૧૫૦-૨૦૦ જેટલા ફોન આવે અને નિદાન કરાય છે. એનિમલ હેલ્પલાઇન દ્વારા શેણી મેમોરિયલ ટ્રસ્ટ રાજકોટ ખાતે ઝૂનોસીસ ડે ઉપર કેમ્પ યોજાશે જેમાં હડકવા વિરોધીરસી, કૃમિનાશક દવાઓ અને પશુઓના સ્વાસ્થ્ય, તેને થતાં રોગોને લગતી સામાન્ય તપાસ કરાઈ છે. રાજકોટ શહેરમાં પશુપાલન કરીને સારી એવી આવક રળતા મહિલા પશુપાલક કાશીબેને જણાવ્યું હતું કે પશુધન એ અમારૂ સર્વસ્વ છે સામાન્ય રીતે જયારે પશુઓને માંદગી હોય ત્યારે તે ખોરાક લેવાનું બંધ કરી દે છે જેના પરથી અમને ખ્યાલ આવી જાય છે કે તેઓને બીમારી છે. અમે તેના માટે ઘણા ઘર ગથ્થુ ઉપાયો, જેમાં ગરમ પાણી પીવડાવું, મીઠાવાળું પાણી છાટવું, વાગ્યું હોય તો હળદરનો લેપ કરવો એવા ઘણાં આયુર્વેદિક ઉપાયો કરતા હોઇએ છીએ. તેના ખોરાકના આધારે તેના દૂધની ગુણવત્તા નિશ્ચિત થાય છે. તેનો જન્મ થાય ત્યારે ઘૂઘરી તેમજ બીજા ખળ, ઘાસ, ઘઉંના લોટનું ભુસું ખવડાવવામાં આવે છે. નિયમિત દેખભાળ અને પશુ ચિકિસકો માર્ગદર્શન હેઠળ અમારા પશુ રોગમુક્ત રહે છે. તો આવો આપણે સૌ આજના દિવસે માનવ સુખાકારી સાથે પ્રાણીઓના આરોગ્ય અંગે સજાગ થઇએ. મનુષ્ય અને પ્રાણીઓ બંનેએ એકબીજાના સ્વાસ્થ્ય માટે જાગૃતિ દાખવી નિરોગી રહેવા સંકલ્પ કરીએ.