ઘેડ પંથકના માંગરોળ, કેશોદ અને પોરબંદર તાલુકાના પુરથી અસરગ્રસ્ત ગામડાઓની કોંગ્રેસના પ્રતિનિધી મંડળે મુલાકાત લઈ લોકો, ખેડુતોની વ્યથા સાંભળી હતી. વર્ષોથી આ વિસ્તારમાં પડી રહેલી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ માટેના ગ્રામજનોએ કરેલા સુચનોની સરકારમાં અસરકારક રજુઆતની ખાત્રી આપી હતી. તાજેતરમાં પડેલા ભારે વરસાદથી ઓઝતના પાણી ચારે તરફ ફરી વળતાં ઘેડ પંથક જળબંબોળ થયો હતો. પરિણામે ખેતરોનું સંપૂર્ણ ધોવાણ થયું છે. પાક નિષ્ફળ જતાં ખેડુતોની માઠી બેઠી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જાેટવા, સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ સભ્ય મોં.હુસેનભાઈ જેઠવા, માંગરોળ તા.પં. પૂર્વ પ્રમુખ કાનાભાઈ રામ સહિતના હોદેદારોએ આજે ઘેડ વિસ્તારના બામણાસા, બાલાગામ, આંબલીયા, પાદરડી, ઓસા ઘેડ, બગસરા ઘેડ, ફુલરામા, કડેગી, મીતી સહિતના ગામોની મુલાકાત લીધી હતી. જેમાં દર વર્ષે ચોમાસામાં ઉદભવતી સમસ્યાના નિરાકરણ માટે મુખ્યત્વે ઓઝત નદીને ઊંડી અને પહોળી કરવાની લોકોની મુખ્ય માંગ હતી. આ ઉપરાંત ઘેડની સ્પ્રેન્ડિંગ કેનાલ ઊંડી, પહોળી કરી સફાઈ કરાવવા ઉપરાંત એશીયાનો સૌથી મોટો માટીનો ડેમ અને ૪૦ જેટલા ગામો માટે ફાયદારૂપ એવા અમીપુરનું કામ સાતેક વર્ષથી અધ્ધરતાલ છે તે તાકીદે પૂર્ણ કરાવવા રજુઆત કરી હતી. વધુમાં વાવાઝોડા અને વરસાદમાં જે મકાનોને નુકસાન થયું છે તેના રિપેરિંગ માટે સહાય આપવા જણાવાયું હતું. તો પાક નિષ્ફળ જતાં બિયારણ માટે સરકારની સહાય જે ૧૩ હજાર છે તેને બમણી કરી ૨૬ હજાર નક્કી કરવા પણ પ્રતિનિધી મંડળ સમક્ષ માંગ કરી હતી. આ ઉપરાંત ઘેડમાં આવતા માંગરોળ, કુતિયાણા, પોરબંદર તથા કેશોદ તાલુકામાં ઘેડ વિકાસ સમિતિને પુનઃજીવિત કરવા જણાવ્યું હતું. પ્રતિનિધી મંડળે અમીપુર ડેમની સ્થળ મુલાકાત લીધી હતી.