ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર ડિવાઇડર તેમજ સર્વિસ રોડના અભાવે વાહન ચાલકોને ભારે હાલાકી

0

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર પૂરતા ડિવાઇડર તેમજ કટ આઉટ અને સર્વિસ રોડ ન હોવાના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અહીં કટ આઉટ ન હોવાથી વ્યાપક પ્રમાણમાં અકસ્માતો થઈ રહ્યા છે. ત્યારે આ ગંભીર મુદ્દે તાકીદે જરૂરી પગલાં લેવા માટે હર્ષદપુર ગ્રામ પંચાયત તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
ખંભાળિયા – દ્વારકા ધોરી માર્ગ પર દેવળીયાથી કુરંગા ગામ સુધી ફોર લેન સીસી રોડનું કામ કરવામાં આવ્યું છે. ત્યારે ખંભાળિયા નજીક હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા માર્કેટિંગ યાર્ડ પાસે રોડ ઓથોરિટી દ્વારા પૂરતા સર્વિસ રોડ અને ડિવાઈડર બનાવવામાં ન આવ્યા હોવાથી આ વિસ્તારમાં આવવા-જવર કરતા લોકોને તેમજ આ માર્ગ પર આવેલી જુદી જુદી શાળાઓ, માર્કેટિંગ યાર્ડ, વગેરે ધંધાકીય સહિતના સ્થળોએ આવવા-જવા માટે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
એટલું જ નહીં, ક્યારેક વાહન ચાલકો રોંગ સાઈડમાં ઉતરી આવે છે તો અકસ્માતના ભોગ બનવા ઉપરાંત પોલીસના દંડનો પણ સામનો કરવો પડે છે. આમ, આ રોડ પર ડિવાઈડર મૂકવા તેમજ અલગ અલગ વિસ્તારમાં ગ્રામજનો ઉપયોગ કરી શકે તે માટે સલાયા ચોકડી સુધી જતા રસ્તે સર્વિસ રોડ બનાવવા માટેની રજૂઆત હર્ષદપુર ગ્રામ પંચાયત તેમજ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત પત્ર દ્વારા કરવામાં આવી છે.
આ મહત્વના પ્રશ્નને ગંભીરતાપૂર્વક લઇ અને તાકીદે નિરાકરણ લાવવાની માંગ ગ્રામજનો દ્વારા થઈ રહી છે.

error: Content is protected !!