જૂનાગઢ સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં મહિલા દર્દીની ૧.૩૧ લાખની મત્તા ચોરીને અજાણી મહિલા ફરાર થઈ ગઇ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શહેરમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલા જીવનપાર્કમાં રહેતા કુસુમબેન મર્થક(ઉ.વ.૬૭) નામના વૃદ્ધા બુધવારે સવારે ગોઠણની સારવાર માટે પુત્રવધુ ઇલાબેન અને પાડોશી વર્ષાબેન સાથે સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. ત્રણેય મહિલા ને બીજા માળે જવું હતું પરંતુ લિફ્ટમાં ટ્રાફિક હોવાથી ઇલાબેન અને વર્ષાબેન સીડી વાટે ઉપરના માળે ગયા હતા. જ્યારે કુસુમબેન બીજા માળે જવા માટે ચાર સ્ત્રી અને બે પુરૂષ સાથે લિફ્ટમાં ગયા હતા. આ દરમ્યાન કુસુમબેન પાસેની કાપડની બેગમાં કાપો મારી અજાણી મહિલા રૂપિયા ૨૫૦૦ની રોકડ, ૨૦ ગ્રામ સોનાનો ચેન, પાન કાર્ડ અને સાદી માળા સહિતની રૂપિયા ૧,૩૪,૮૪૦ની માલમત્તાની ચોરી કરીને નાસી ગઈ હતી. આ અંગે વૃદ્ધાએ ગુરૂવારે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને અજાણી મહિલાની શોધખોળ હાથ ધરી છે. આમ, સિવિલ હોસ્પિટલમાંથી વાહનની ચોરીથી સાથે હવે માલમતાની ચોરીની ઘટના પણ શરૂ થતા દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓમાં સનસનાટી મચી ગઈ છે.