ભવનાથની સીડીના પ૦માં પગથીયે સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, મહાનુભાવોની હાજરી ખાતમુહૂર્ત વિધી સંપન્ન કરાઈ
૩૩ કરોડ દેવતાનો જ્યાં વાસ છે અને અંબાજી માતાજીના જયાં બેસણા છે તેમજ ગુરૂ દત્તાત્રેય ભગવાન ગોરખનાથના આસ્થાના કેન્દ્રો છે તેવા ગિરનાર ક્ષેત્ર એટલે આધ્યાત્મિક અનેકગણું મહત્વ ધરાવતું આ પાવનકારી ભૂમિ છે. રોપવેની સુવિધા તો છેલ્લા બે વર્ષ ઉપરાંતથી મળી છે પરંતુ હજારો વર્ષથી ગિરનારની આ પવિત્ર ભૂમિ ઉપર સિધ્ધ સંતો સાધના કરી રહ્યા છે અને ગિરનારની ટોચ ઉપર બિરાજતા અંબાજી માતાજીના મંદિરે પણ દર્શનાર્થે ભાવિકોનો પ્રવાહ સતત વહેતો રહ્યો છે. પપ૦૦ પગથીયા ચડીને માતાજી સન્મુખ દર્શન માટે ભાવિકો આવે છે અને માતાજીના આર્શીવાદ મેળવી અને મનોકામના પુર્ણ થાય છે. ગિરનાર ખાતે બિરાજતા અંબાજી માતાજીના મંદિરે એકલા જૂનાગઢ જ નહી પરંતુ દુર-દુરથી ભાવિકો અને શ્રધ્ધાળુઓ આવતા હોય છે. આવા આસ્થાના આ કેન્દ્ર અંબાજી માતાજીના મંદિર સુધીના માર્ગ ઉપર વિજળીના ધાંધીયાએ રોજીંદી ઘટના સમાન બની ગયેલ છે. લો વોલટેજની સમસ્યા તેમજ અપુરતા વીજ પ્રવાહના કારણે મોટર ચાલું ન થતા પાણીની સમસ્યા પણ સર્જાતી હોય છે અને અનેક વખત માં અંબાના મંદિરમાં અંધારમાં પણ આરતી કરવી પડતી હતી. આવી બધી સમસ્યા સર્જાતી હોય જેથી સંતો અને અગ્રણીઓ તેમજ માઈભકતો દ્વારા અહીં કાયમી ધોરણે વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે રજુઆતો કરવામાં આવી હતી અને આખરે સરકારે પણ માઈભકતોની યાતનાઓને ધ્યાને લઈ નાણાં ફાળવી આપ્યા છે. ત્યારે આ પાવનકારી અને પવિત્ર જગ્યાના માર્ગ ઉપર ૧૧ કેવી કેબલ નાખવાની કામગીરી પીજીવીસીએલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને જેના ભાગ રૂપે આજે ગિરનારના પ૦ પગથીયાથી સંતો-મહંતો, પ્રજાના પ્રતિનિધિઓ અને ભાવિકોની ઉપસ્થિતિમાં ભવનાથથી અંબાજી સુધી રૂા.૭.૯૧ કરોડના ખર્ચે ૧૧ કેવી કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ કર્યો હતો. આગામી શિવરાત્રી મેળા સુધીમાં આ કામગીરી પુર્ણ થઈ જશે તેમ જાણવા મળે છે. આ અંગે વિશેષમાં મળતી વિગત અનુસાર, ગિરનાર ઉપર અવાર-નવાર લો વોલ્ટેજની સમસ્યા રહેતી હતી. અનેક વખત તો માં અંબાના મંદિરમાં અંધારમાં આરતી કરવી પડતી હતી. પાણી હોવા છતાં અપુરતા વિજ પ્રવાહના કારણે મોટર ચાલુ ન થતા પાણીની સમસ્યા પણ રહેતી હતી. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે ભવનાથથી માં અંબાના મંદિર સુધી પીજીવીસીએલ દ્વારા ૧૧ કેવી કેબલ નાંખવામાં આવશે. આ કામગીરીનો શુક્રવાર ૧ ડિસેમ્બરે ગિરનારના ૫૦ પગથિયાથી પ્રારંભ થનાર છે. આ અંગે પીજીવીસીએલના ડેપ્યુટી સીટી ઇજનેર વી.એલ. ભીમાણીએ જણાવ્યું હતું કે, ગિરનાર એક પવિત્ર યાત્રાધામનું સ્થળ છે. અહીં લો વોલ્ટેજની સમસ્યા હતી. અપુરતા વીજ પ્રવાહના કારણે ગિરનારની સીડીથી લઈને માં અંબાના મંદિર સુધી અવાર-નવાર વિજળીના પ્રશ્નો ઉપસ્થિત થતા હતા. ત્યારે લાઈટની આ સમસ્યાના નિવારણ માટે ૧૧ કેવીની લાઈન નાખવામાં આવશે. ભવનાથથી લઈને માં અંબાજીના મંદિર સુધીની ૪ કિમીની ૧૧ કેવી લાઈન ૭.૯૧ કરોડના ખર્ચે નંખાશે. ખાસ કરીને હાલ એલટી ટ્રાન્સફોર્મર નીચે રહે છે તે આ કામગીરી પુર્ણ થયા બાદ ઉપર રહેશે. પરીણામે લો-વોલ્ટેજની સમસ્યા નહી રહે. આ કામગીરીનો આજે ૧ ડિસેમ્બરે સવારના ૧૧ વાગ્યે ગિરનારના પ૦ પગથીયાએ ખાતમુહૂર્ત સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંદાજીત ૪ થી ૬ મહિનામાં આ કામગીરી પુર્ણ કરાશે. ખાતમુહૂર્ત પ્રસંગે ભવનાથ અને ગિરનાર ઉપરના અનેક સંતો, મહંતો તેમજ સાંસદ, ધારાસભ્ય સહિતના અનેક રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિતી રહ્યા હતા.