માણાવદરની ખાનગી હોસ્પિટલમાં ૩ પ્રસુતાના મોતના બનાવ અંગે તપાસનો ધમધમાટ

0

તબીબ સામે ગુનો દાખલ થાય તેવા મળતા નિર્દેશો : આજે કમિટી રિપોર્ટર આપશે

જૂનાગઢ જીલ્લાના માણાવદર ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક સપ્તાહ દરમ્યાન ત્રણ પ્રસુતાના મૃત્યું નિપજયાના બનાવ અંગે તપાસનો ધમધમાટ પુરજાેશથી ચાલું થયો છે અને નજીકના સમયમાં જ તબીબ સામે પણ ગુનો નોંધાઈ શકે તેવા નિર્દેશો મળી રહ્યા છે. આજે તપાસ કમિટીનો અહેવાલ જીલ્લા આરોગ્ય અધિકારીને સુપ્રત કરવામાં આવશે. જીલ્લા વહિવટી તંત્ર દ્વારા મૃતકના પરિવારને ન્યાય મળે તે માટેની કાર્યવાહી કરશે તેમ જણાવા મળે છે. માણાવદરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક સપ્તાહ દરમ્યાન ત્રણ પ્રસુતાના મૃત્યું નિપજયાના મામલે ડોકટરની બેદરકારીના આક્ષેપ સાથે પોલીસમાં અરજી થતા આરોગ્ય વિભાગે તપાસ કમિટીની રચના કરી કાર્યવાહી હાથ ધરી હતી. આગામી બે દિવસમાં રિપોર્ટ રજુ થયા બાદ ખાનગી હોસ્પિટલના તબીબી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી કરી મૃતકના પરિવારજનોને ન્યાય આપવા માટે જીલ્લા વહિવટી તંત્રએ જણાવ્યું છે. માણાવદરમાં આવેલી ટયુલિપ ખાનગી હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ત્રણ પ્રસુતાના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. જેના પગલે સમગ્ર પંથકમાં કોહરામ મચી જવા પામ્યો હતો. જીંજરી ગામની ધર્મિષ્ઠાબેન રાજગીરી મેઘનાથી, કોઠારીયા ગામની વૈશાલીબેન ઉદયભાઈ જાતિય અને ભીંડોરા ગામની પ્રવિણાબેન રામભાઈ ડવને એક સપ્તાહ દરમ્યાન ડીલેવરી માટે ટયુલિપ હોસ્પિલમાં દાખલ કરાયામાં આવ્યા હતા. દરમ્યાન શરૂઆતમાં નોર્મલ ડીલેવરી થશે તેવું પરિવારને જણાવ્યું હતું. બાદમાં સિઝેરીયન કરવું પડશે તેમ જણાવી ઓપરેશન કરીને ડીલેવરી કરવામાં આવ્યા બાદ તબિયત લથડતા મોત નીપજયા હતા. આમ ત્રણેય મહિલાના મોતનું કારણ ડીલેવરી બાદ લોહી વહી જવાથી થયું હોવાનું અને ડો. જયદિપ ભાટ્ટુની ઘોરબેદરકારી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ અંગે મૃતકના પરિવારજનો દ્વારા હોસ્પિટલના ડો. જયદિપ ભાટુ અને ડો. દિશાબેન ભાટુ સામે બેદરકારી દાખવી હોવાનું અને આ મામલે તપાસ કરીને કડક પગલા લેવાની માંગ સાથે માણાવદર પોલીસમાં અરજી કરવામાં આવતા પીએસઆઈ સી.વાય.બારોટ દ્વારા સંબંધિત ડોકટરો, સ્ટાફના નિવેદન લઈને જીલ્લા આરોગ્ય અધિકારીને રવાના કરી દીધા છે. ત્યારબાદ જીલ્લા આરોગ્ય અધિકારી સુતરીયાના માર્ગદર્શન હેઠળ તટસ્થ તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. જેને ૧૦ દિવસમાં રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો હોવા છતાં આજે એક મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં રિપોર્ટ રજુ કરવામાં ન આવતા પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ બાબતે જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી મીરંત પરીખે જણાવ્યું હતું કે, માણાવદરમાં બનેલી ઘટનાને પગલે તપાસ કમિટીમાં રહેલા સિવીલ હોસ્પિટલના ગાયનેક વિભાગના મહિલા ડોકટરના વાકે રિપોર્ટ રજુ કરવામાં વિલંબ થયો છે. જીલ્લાના સીડીએચઓ સહિતના અધિકારીઓ દ્વારા હોસ્પિટલની વિઝીટ કરી તેમનો સ્ટાફ અને ડોકટરના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.

error: Content is protected !!