જૂનાગઢ કોર્પોરેશનના નિવૃત અધિકારી છેતરપિંડીનો ભોગ બન્યા : ફાસ્ટેગ રિચાર્જ રિફન્ડનાં બહાને ૯૯,૯૯૩ની ઓનલાઇન નાણાંકીય છેતરપિંડીની ફરિયાદ

0

જૂનાગઢ કોર્પોરેશનના નિવૃત્ત અધિકારી સાથે ફાસ્ટેગ રિચાર્જ રિફન્ડનાં બહાને અજાણ્યા શખ્સે રૂપિયા ૯૯૯૯૩ની ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં મોતીબાગ પાસે આવેલ પંચશીલ સોસાયટીમાં રહેતા કોર્પોરેશનના નિવૃત્તઅધિકારી અતુલકુમાર હરિલાલ મકવાણા(ઉ.વ.૫૯) પોતાની કારમાં આઈડીએફસી ફર્સ્ટ બેન્કનું ફાસ્ટેગ ઉપયોગ કરતા હોય જેને રિચાર્જ માટે તેઓએ ૨૮ જૂનના રોજ ત્રણ અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂપિયા ૫૦૦નું રિચાર્જ ફોનપેમાંથી કર્યું હતું. પરંતુ બેંક ખાતાની પાસબુકમાં એન્ટ્રી પડાવી તપાસ કરતા ફાસ્ટેગ અગાઉ રિચાર્જ કરાવેલું હતું પરંતુ ફાસ્ટ ટેગમાં રિચાર્જ થયું હતું નહી અને રોકડ બેંક ખાતામાંથી ડેબિટ થઈ ગઈ હતી. જેથી તેમણે બેંકના કસ્ટમર કેરના નંબર સંપર્ક કરતા સામેવાળા પુરૂષે હિન્દીમાં વાત કરતા તેમને ફાસ્ટટેગ રિચાર્જ થયું ન હોવાની રજુઆત કરી હતી. જેથી આ ઈસમે ફોનપેમાંથી રિચાર્જ કરેલ હોય આથી ફોન પે કસ્ટમર કેરનો સંપર્ક કરવા જણાવ્યું હતું. બાદમાં અજાણી સ્ત્રીએ અન્ય ઈસમ સાથે વાત કરાવતા આ શખ્સે અતુલભાઈને તેમના ખાતામાંથી ડેબિટ થયેલ રૂા.પ૦૦ રિફંડ કરી આપવાની લાલચ આપીને એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. આ પ્રમાણે કરવામાં આવતા આ સમયે એપ્લિકેશનના એકિસસ કોડ મેળવી ફોન પે એપ્લિકેશનમાં પ્રોસેસ કરાવીને અતુલભાઈના એસબીઆઈ બેંક ખાતામાંથી રૂપિયા ૯૯,૯૯૩ પોતાના કેનેરા બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી ઓનલાઈન નાણાંકીય છેતરપિંડી કરી હતી. આ અંગે કોર્પોરેશનના નિવૃત અધિકારી અતુલ મકવાણાએ ફરિયાદ કરતા જૂનાગઢ સાયબર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!