જૂનાગઢ તાલુકા પોલીસે બે દિવસ પહેલા વાહન ચેકિંગ દરમ્યાન એક શખ્સને ઝડપી લીધો હતો અને તપાસમાં બહાર આવેલ વિગત અનુસાર મંત્રીના નકલી પીએ બની અને આ શખ્સે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતો હોવાનું ખુલવા પામતા ચકચાર જાગી ઉઠી છે. આ શખ્સે લગ્ન અને અન્ય બહાના હેઠળ પણ છેતરપિંડી કરી છે ત્યાં જ વધુ એક છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. નોકરીના નામે લાલચ આપી રૂા.૪,૭પ,૦૦૦ની છેતરપિંડીની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, નિરજભાઈ પ્રવિણભાઈ વૈષ્ણવ(ઉ.વ.૩૧) રહે.મધુરમ, અશોકનગર-ર, સતગુરૂ પાર્ક, શુભમ રેસીડેન્સી, એપાર્ટમેન્ટ બ્લોક નં-૦૩, જૂનાગઢવાળાએ રાજેશભાઈ જેન્તીભાઈ જાદવ રહે.વાડલા ફાટક, ગાર્ડન સીટી, બ્લોક નં-૩૧વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ પોતાની પરસોતમભાઈ સોલંકી ગુજરાત રાજયના મંત્રીના પીએ તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીને શિક્ષક તરીકેની સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી તથા ફરિયાદીના પિતા સાહેદ પ્રવિણભાઈ વૈષ્ણવને વિશ્વાસમાં લઈ નોકરી અપાવવાના બહાને ફરિયાદી તથા સાહેદ પાસેથી અલગ-અલગ સમયે રોકડ રૂા.૪,૭પ,૦૦૦ લઈ જઈ અને ફરિયાદીનો શિક્ષક તરીકે એલ.કે. હાઈસ્કૂલ કેશોદમાં ઓર્ડર થયેલ તેવો ખોટો ઓર્ડર બનાવી અને જે સાચો છે તે રીતે ફરિયાદી તથા સાહેદને બતાવી ફરિયાદી તથા સાહેદ સાથે છેતરપિંડી વિશ્વાઘાત કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ વી.કે. ઉંજીયા ચલાવી રહ્યા છે.