જૂનાગઢની વકીલાત આલમનું વિરલ વ્યક્તિત્વ એટલે હરીશભાઈ દેસાઈ

0


હરીશભાઈ શંભુપ્રસાદ દેસાઈ આ નામથી જૂનાગઢમાં ભાગ્યેજ કોઈ અજાણ હશે. જૂનાગઢની વકીલ આલમમાં સન્માનપુર્વક લેવાતું નામ એટલે હરીશભાઈ. આજે તેમનો જન્મદિવસ હોય, આ વિરલ વ્યક્તિત્વના સજજન વિષે એક ઋણાનુબંધના ભાગરૂપે તેમના વિષે જાણવાનો અને જણાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. તા. ૧૦ ડીસેમ્બર,૧૯૩૮ના રોજ જન્મેલા હરીશભાઈ દેસાઈ છેલ્લા ૬ દાયકા કરતા વધુ સમયથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૧૯૬૩ માં તેમણે વકીલાતની કારકિર્દીની શરૂઆત કરી હતી. દિવાની અને રેવન્યુ બંને કેસોમાં તેમની માસ્ટરી રહી છે. એટલું જ નહીં તેમના પુત્ર અંસીન દેસાઈ અને તેમના પૌત્ર અંશ દેસાઈ હાલમાં ગુજરાત હાઈકોર્ટના વકીલ તરીકે યોગદાન આપી રહયા છે. અત્યંત સાલસ અને માયાળું સ્વભાવના હરીશભાઈ દેસાઈને તેમના સદ્‌ગુણો વારસામાં મળેલ છે. તેમના પિતા સ્વ.શંભુપ્રસાદ દેસાઈ સનદી અધિકારી હતા અને તત્કાલીન જૂનાગઢ સ્ટેટ તેમજ અન્ય રજવાડાઓમાં શંભુપ્રસાદ દેસાઈએ વરિષ્ઠ અધિકારી તરીકે સેવાઓ બજાવી હતી. ત્યારબાદ રજવાડાઓના વિલીનીકરણ બાદ સૌરાષ્ટ્ર સરકાર, બોમ્બે સરકાર અને ગુજરાત સરકારમાં પણ તેમણે સેવાઓ બજાવી હતી. જૂનાગઢના ઈતિહાસના આલેખન માટે આજે પણ સ્વ.શંભુપ્રસાદ દેસાઈના પુસ્તકોને ઓથોરીટી માનવામાં આવે છે. આવા શંભુપ્રસાદ દેસાઈના સુપુત્ર હરીશભાઈ દેસાઈ ઈતિહાસ અને કાયદાકીય ક્ષેત્રે એક હાલતી ચાલતી લાયબ્રેરી હોય એટલું વિશાળ જ્ઞાન ધરાવે છે. જૂનાગઢના વરિષ્ઠ વકીલ હોવા છતાં હરીશભાઈ દેસાઈ સમાજની નાનામાં નાની વ્યક્તિને પણ ન્યાય અપાવવા માટે હંમેશા તત્પર રહયા છે. તેમના વકીલાત કાળ દરમ્યાન ઘણા સિમાચિન્હરૂપ કેસોમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર તેમજ તેમના બહોળા ચાહક વર્ગ, પરીવારજનો, વકીલાત આલમ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

error: Content is protected !!