જૂનાગઢમાં આજે ૨૦૦૦ પ્રાથમિક શિક્ષકો દ્વાર પદયાત્રા, મહા પંચાયતનો કાર્યક્રમ યોજાશે

0

જુની પેન્શન યોજનાને લઈને રાજયભરમાં વિવિધ માંગણીઓ સબબ પ્રાથમિક શિક્ષકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પણ આજે પ્રાથમિક શિક્ષકો દ્વારા પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલ છે અને વિવિધ માંગણીઓ અંગે સરકારમાં રજુઆતો કરવામાં આવી રહી છે. જૂની પેન્શન યોજના સહિતની ૯ માંગોને લઇને પ્રાથમિક શિક્ષકો લડતના મૂડમાં આવી ગયા છે. દરમ્યાન આજે શનિવારના જૂનાગઢ શહેરમાં પદયાત્રા અને મહા પંચાયત યોજાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના જૂનાગઢના અધ્યક્ષ સુરેશભાઇ ખુમાણે જણાવ્યું હતું કે, જૂની પેન્શન યોજના સહિતના વિવિધ પડતર પ્રશ્નો સરકારે લાંબા સમયથી ઉકેલ્યા નથી. અગાઉ જ્યારે લડત કરાઇ હતી ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઇ સરકારે માંગ સ્વિકારી હોવાનું જણાવી આંદોલન સમેટાવી લીધું હતું. જાેકે, બાદમાં આ અંગે કોઇ ઠરાવ કર્યો ન હતો. જ્યાં સુધી ઠરાવ ન થાય ત્યાં સુધી પ્રશ્નનો ઉકેલ આવ્યો ન ગણાય. ત્યારે આ પડતર પ્રશ્નોના ઉકેલ માટે ફરી લડત શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ જૂનાગઢ પ્રેરિત અને રાષ્ટ્રિય સંયુક્ત મોરચા આયોજીત જૂનાગઢમાં પદયાત્રા અને મહા પંચાયતનું આયોજન કરાયું છે. જૂનાગઢ જિલ્લામાં કુલ ૩,૭૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકો છે. જેમાંથી ૨,૦૦૦ જેટલા શિક્ષકો શનિવારે પદયાત્રા અને મહા પંચાયતમાં જાેડાશે. શહેરના સરદાર બાગ સ્થિત ઝાંસીની રાણીના પૂતળા પાસેથી બપોરના ૩ વાગ્યે પદયાત્રાનો પ્રારંભ થશે. આ પદયાત્રા બાદમાં બસ સ્ટેશન ચોકથી થઇને પરત સરદાર બાગ ચબૂતરા સુધી આવશે. બાદમાં સાંજના ૪ વાગ્યે સરદાર બાગ પાસે મહા પંચાયત યોજાશે.આમ, સરકાર દ્વારા શિક્ષકોના પડરત પ્રશ્નો ઉકેલવામાં રસ દાખવાતો ન હોય આ પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સુધી અવાજ પહોંચાડવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

error: Content is protected !!