વન વિસ્તારમાં થઈ રહેલા અતિક્રમણને લીધે વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તારો તરફ વળ્યા : વન્યપ્રાણી અને માનવ વચ્ચે સંતુલન જાળવવા સરકાર દ્વારા પ્રક્રિયા હાથ ધરાશે
ગુજરાત રાજયના વન વિભાગના વડા એસ.કે. ચતુર્વેદી જૂનાગઢ અને સાસણની મુલાકાતે આવી પહોંચ્યા છે. ગઈકાલે તેઓ જૂનાગઢ આવી પહોંચતા તેઓનું વન વિભાગ દ્વારા ઉશ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમ્યાન જૂનાગઢની મુલાકાતે આવેલા વન વિભાગના વડા એસ.કે. ચતુર્વેદી ભવનાથ ખાતે આવી પહોંચ્યા હતા અને જયાં ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ તકે ભવનાથ મહાદેવ મંદિરના મહંત પૂજય હરીગીરી બાપુ દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢની મુલાકાતે આવેલા રાજયના મુખ્ય વન સંરક્ષક એસ.કે. ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, મેં ઘણા વર્ષો પહેલા ભૂતકાળમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવી છે. જેથી જૂનાગઢ અને ભવનાથ દાદા પ્રત્યે મને આસ્થા હોવાથી દર્શનાર્થે આવતા ધન્યતા અનુભવું છું. વધુમાં તેમણે કહ્યું હતું કે, જંગલ વિસ્તારમાં અભિક્રમણ થવાને લીધે વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તારો તરફ આવતા હોવાનું જાેવા મળી રહ્યું છે. કારણ કે જંગલ વિસ્તારમાં તેમના રહેણાંકમાં લોકોની અવર-જવર વધી જતા દીપડો, સિંહ જેવા વન્ય પ્રાણીઓના શહેરી વિસ્તારમાં આંટાફેરા કરી રહ્યા છે. હાલ દિપડાઓની સંખ્યા વધી રહી છે તે હકિકત છે. પરંતુ વન્ય પ્રાણીઓ તથા માનવ જાતનું પણ મહત્વ રહેલું હોવાને લીધે સરકાર દ્વારા બંને સંતુલન કરવા માટેના કાર્યો હાથ ધરી રહ્યું છે. વધુમાં જણાવ્યું કે, હાલ લાયન પ્રોજેકટની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. જેને લઈને દેશના ફોરેસ્ટ મીનીસ્ટરે સાસણની મુલાકાત લીધી હતી. તેમજ આ પ્રોજેકટને લઈને સરકાર સંવેદનશીલ હોવાથી વહેલી તકે કામગીરી શરૂ કરશે તેમ જણાવ્યું હતું. દરમ્યાન દિપડાની વધી રહેલી વસ્તીને લઈને પણ સરકાર ચિંતામાં હોવાનું જાણવા મળે છે. રાજયના મુખ્ય વન સંરક્ષક એસ.કે. ચતુર્વેદીએ જૂનાગઢ અને સાસણની મુલાકાત દરમ્યાન વન વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી અને સુચનો કર્યા હોવાનું જાણવા મળે છે.