છેવાડાના લોકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે તેવા સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું આયોજન થયું છે : વન અને પ્રવાસનમંત્રી મુળુ બેરા

0

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના દાંડેરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુંદર આયોજન બદલ વહીવટી તંત્રને અભિનંદન આપતા મંત્રી

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના દાંડેરી ગામે પ્રવાસન અને વન મંત્રી મુળુ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત રથનું ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે દાંડેરી ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા રથયાત્રાના કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરા એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતની સંકલ્પનામાં લોકોનું કર્તવ્ય પણ સમાયેલું છે. ભારતને ૨૦૪૭ સુધીમાં માત્ર વિકસિત કરવાનું કેન્દ્ર સરકારનું ધ્યેય નથી પરંતુ વડાપ્રધાનના નેતૃત્વમાં આર્થિક સધ્ધરતાની સાથે સાથે સામાજિક સમરસતા મહિલા સશક્તિકરણ અને છેવાડાના લોકોની સુખાકારી સાથે સંપૂર્ણ આર્ત્મનિભરતા -સર્વાંગી વિકાસ સમાયેલો છે. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રને વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાના સુંદર આયોજન બદલ મંત્રીએ અભિનંદન આપ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ અને રથયાત્રાની સાથે લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બને અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે પ્રભાવક રીતે નાટકના કાર્યક્રમ પણ રજૂ થઈ રહ્યા છે. તેઓએ કલાકારોની ટીમને અભિનંદન આપ્યા હતા. આ પ્રકારના કાર્યક્રમથી લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરવા અને રિસાયક્લિંગની પણ પ્રેરણા મળશે. મંત્રીએ ગામના યુવા ખેડૂત સચીનભાઈ ધોકિયાના પ્રાકૃતિક ખેતી અંગેની સમજણને પ્રેરક બતાવી જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને ફાયદો છે જ સાથે સાથે લોકોના આરોગ્યની સુખાકારી પણ વધશે. મંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને કેન્દ્ર સરકારની ૧૭ પ્રકારની યોજનાઓના લાભ મળી રહ્યા છે અને યોજનાઓની માહિતીનો પ્રચાર અને પ્રસાર કરીને અન્ય લોકોને પણ લાભ મળે તે માટે ગ્રામજનો પ્રેરિત બને તેવો પણ અનુરોધ કર્યો હતો. મંત્રીએ વિશ્વકર્મા યોજના વિશેની પણ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનોએ વડાપ્રધાન શ્રી નો વિડીયો માધ્યમથી સંદેશો પણ સાંભળ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન કાર્ડ અને પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ સખીમંડળ સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ એ લાભ મળ્યો તેનો પ્રતિભાવ આપ્યો હતો.તે સંદર્ભમાં મંત્રીએ જણાવ્યું હતું કે આજે જે લાભાર્થીઓએ પ્રતિભાવ આપ્યો છે તે તેમનો પ્રત્યક્ષ અનુભવ છે અને સરકાર છેવાડાના લોકોને લાભ આપી રહી છે તે પ્રતિભાવમાંથી સ્પષ્ટ થાય છે. મંત્રી મુળુ બેરાએ વન અને પર્યાવરણ વિભાગ એગ્રો ફોરેસ્ટી વિસ્તાર વધારીને ૧૨૦૦૦ હેક્ટર કરશે તે અંગેની પણ વિગતો આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની રૂપરેખા આપી વિકસિત ભારતના સંકલ્પમાં કુપોષણને નાબૂદી, સામાજિક સમસતા, મહિલા સશક્તિકરણ અને મહિલાઓ વિવિધ યોજનાઓનો લાભ લઈ પગભર આર્ત્મનિભર બને તે માટેની નેમ અને વડાપ્રધાનના સંકલ્પના સંદર્ભમાં લોકોને વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ આઈ સીડીએસ, ખેતીવાડી તેમજ વિવિધ વિભાગોના યોજનાકીય સ્ટોલનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, અધિક કલેક્ટર પી.જી.પટેલ ,જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, લક્ષ્મણભાઈ યાદવ, દિલીપસિંહ સિસોદિયા, હીરાભાઈ સોલંકી, રાજાભાઈ પટાટ, રણજીતભાઈ યાદવ, મેંદરડાના પ્રાંત અધિકારી, સરપંચ કાનજીભાઈ તેમજ રાજેશભાઈ ભાલોડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!