જૂનાગઢમાં રહેતા એક વેપારીનું અમદાવાદ મુકામે આવેલ મકાન માસિક ર૪ હજારના ભાડા ઉપર રાખવાની વાત કરીને કોઈ અજાણ્યા શખ્સે એડવાન્સ ભાડું ગુગલ પેથી મોકલવાના બહાને વેપારીના ખાતામાંથી ૩.ર૧ લાખ ટ્રાન્સફર કરી લીધાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. જૂનાગઢના કોલેજ રોડ ઉપર નાની દાણાપીઠ સોસાયટીમાં રહેતા અને ગાંધીચોકમાં યોગી ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન નામે દુકાન ધરાવતા વેપારી સચિનભાઈ ગીરીશભાઈ તન્ના(ઉ.વ.પ૮)નું અમદાવાદમાં સાઉથ બોપલમાં મકાન આવેલું હોય જે મકાન ભાડે આપવા માટે તેઓએ વેબસાઈટ ઉપર જાહેરાત આપી હતી. જેમાં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર સચીનભાઈને કોઈ અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો. તે શખ્સે પોતે જીતેન્દ્રકુમાર બોલે છે અને પોતે ડીફેન્સ આર્મીમાં કર્મચારી હોવાની ઓળખ આપી મકાન ભાડે રાખવા વાતચીત કરીને ર૪ હજાર ભાડું નક્કી કર્યું અને ભાડું એડવાન્સ મોકલવા માટે સચીનભાઈને ગુગલ પે રીકવેસ્ટ મોકલી બાદમાં ઓનલાઈન નેટ બેંકિંગની વિગતો મેળવી લીધી હતી અને બાદમાં સચીનભાઈના બેંકના ખાતામાંથી અલગ-અલગ ચાર બેંક એકાઉન્ટમાં કુલ ૩.ર૧ લાખ રૂપીયા ટ્રાન્સફર કરી લીધાનું સામે આવતા આજે સચીનભાઈએ જૂનાગઢ સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.