વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને આધ્યાત્મિક શિક્ષણ સાથે ઉત્તમ ચરિત્ર ઘડનાર શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યુ છે. શિક્ષણ ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિશિષ્ટ પ્રદાન આપ્યું છે. તેના અનુસંધાનમાં ઓકસફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)ના ડાયરેક્ટર શૌનક રિશી દાસે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વચ્ચે હિન્દુ સ્ટડીઝ પર એમઓયુની શકયતાઓ અંગે વિસ્તારપુર્વક ચર્ચાઓ થઈ છે.
ઓકસફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ(OCHS)ના ડિરેક્ટર શૌનક રિશી દાસે સોમનાથ સંસ્કૃત યુની.ના કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિ સાથે વાર્તાલાપ કર્યો હતો. બંન્ને મહાનુભાવો વચ્ચે શિક્ષણથી લઈ હિંદુ ધર્મના તત્વજ્ઞાન તથા આધુનિક શિક્ષણ પદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ હતી. આ તકે સોમનાથ સંસ્કૃતિ યુની. અને ઓકસફોર્ડ યુની. વચ્ચે હિન્દુ સ્ટડીઝ પર એમઓયુ અંગે વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ડિરેકટરએ હિન્દુ સંસ્કૃતિ અને શિક્ષણ ઉપર વાર્તાલાપ પણ કર્યો હતો. બાદમાં સોમનાથ સંસ્કૃત યુની.નું પરિસર, શિક્ષણ પદ્ધતિ અને મેનેજમેન્ટ નિહાળી(OCHS)ના ડિરેક્ટર શૌનક રિશી દાસે પ્રતિભાવ આપતા જણાવેલ કે, અહીંનું શિક્ષણ જાેઈ એવી અનુભૂતિ થઈ રહી છે કે જાણે ભારતીય પરંપરા પ્રમાણે જૂનું વૈદિક શિક્ષણ આધુનિક ઢબે અપાઇ રહ્યું છે. જે ખૂબ જ સારી વાત છે. ઉપરાંત તેમણે સોમનાથ મંદિરમાં દર્શન કરીને આદ્યાત્મનો પારાવાર અનુભવ થયો હોવાનું ઉમેર્યુ હતું.
ડિરેક્ટર સાથે પધારેલા ઓકસફોર્ડ યુની.ના પૂર્વ વિદ્યાર્થીની અને સાધ્વી ભાવિષાજીએ પોતાના પ્રતિભાવમાં જણાવેલ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં સામાજીક, આર્થિક સહિત સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ઉદય થઈ રહ્યો છે. પશ્ચિમના આધુનિક મૂલ્યોના પ્રભાવ સામે સાંસ્કૃતિક ક્ષેત્રે ઉદય આજના સમયની માંગ છે. જેનું વડાપ્રધાનની આગેવાનીમાં ઉત્તમ કામ થઈ રહ્યું છે. આ તકે યોગી વિદ્યાપીઠ આણંદના ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર ડો.એન.સી.પટેલ, સંસ્કૃત યુનીના .કુલસચિવ દશરથ જાદવ, પ્રિન્સિપલ નરેન્દ્ર પંડ્યા, રિસર્ચ ઓફિસર કાર્તિક પંડ્યા સહિત પ્રોફેસર્સ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત
રહ્યાં હતાં.