તનીષ્કા વેકેશન કલબના સ્ટાફ દ્વારા ટુર પેકેજની જાહેરાતો આપી અને રૂા.૧.ર૦ લાખની છેતરપિંડી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના ઝાંઝરડા રોડ, જીવન જયોત સોસાયટી, બ્લોક નં-બી ૮, સરદારબાગ પાસે રહેતા હાસીમભાઈ આમદભાઈ સીડા(ઉ.વ.૪ર)એ તનીષ્કા વેકેશન કલબ સુરત તથા તપાસમાં જે ખુલ્લે તેના વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદીને તનીષ્કા વેકેશન કલબના સ્ટાફ દ્વારા ટુર પેકેજની અલગ-અલગ લોભામણી જાહેરાતો આપી વિશ્વાસમાં લઈ હોટલ બુકિંગ થઈ જશે તેમ જણાવી અને ફરિયાદીને રૂા.૧.ર૦ લાખનું પેકેજ લેવડાવેલ પરંતુ ટિકીટના બુકિંગ માટે અવાર-નવાર કંપનીના માણસોને ફોન કરતા કોઈ જવાબ ન આપી તેમજ કંપનીની કોઈ સર્વિસ કે હોટલ બુકિંગ નહી કરી આપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે કલમ ૪૦૬, ૪ર૦ અંતર્ગત આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવ ૧૯-૧-ર૦ર૩ કલાક ૧રથી કલાક ૧૪ દરમ્યાન લોટસ પેટલ હોટલ જૂનાગઢ-રાજકોટ હાઈવે નજીક બનવા પામ્યો હોવાનું ફરીયાદમાં દર્શાવેલ છે અને ગઈકાલે તા.૧૩-૧ર-ર૦ર૩ કલાક ૧૯ઃર૦ કલાકે ફરીયાદ દાખલ થઈ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન. ક્ષત્રીય વધુ તપાસ ચલાવી રહ્યા છે.