વેરાવળમાંથી સોની વેપારીની નજર ચુકવી સોનાના દાણાની ચોરી કરનાર ચાર મહિલાઓ અને ત્રણ પુરૂષોની ટોળકીને એલસીબીએ રૂ.૧૧.૬૪ લાખના ચોરી કરેલ દાગીના અને વાહનો સાથે ઝડપી પાડી છે. હાલ આ ટોળકીએ અન્ય ક્યાંય ચોરી કરી છે કે કેમ તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે માહિતી આપતા એલસીબી પીઆઈ એસ.એમ. ઈશરાણીએ જણાવેલ કે, બે દિવસ પહેલા વેરાવળમાં શ્રીપાલ હવેલી ચોક પાસે આવેલ ભરતભાઈ પટ્ટ ની “વિર જવેલર્સ” નામની દુકાનમાં ચાર અજાણી મહીલાઓ સોના-ચાંદીના દાગીના લેવાના બહાને આવી હતી. ત્યારે દાગીના જાેવામાં સોની વેપારીની નજર ચુકવી દુકાનમાંથી સોના-ચાંદીના ૩૮ જેટલા દાણાઓની ચોરી કરી નાસી ગઈ હતી. જે અંગે થોડા સમય બાદ ખબર પડતા વેપારીએ પોલીસમાં ઉપરોકત વિગતો સાથે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે એલસીબીના નટુભા બસીયા, રામદેવસિંહ, નરેન્દ્ર પટાટ, નરેન્દ્ર કછોટ, ભુપેન્દ્રસિંહ ચાવડા સહિતના સ્ટાફે સોનીની દુકાન સહિતના નેત્રમ સીસીટીવી ફુટેજાે ખાંગળતા મહિલાઓ વિશે મહત્વની જાણકારી મળી હતી. જેને લઈ હ્યુમન સર્વેલન્સ થકી મળેલ માહિતીના આધારે વેરાવળમાંથી જ ચોરીને અંજામ આપનાર (૧) પાંગળીબેન કરમાભાઇ ડામોર ઉ.વ.૬૦, (૨) સુરીકાબેન રાકેશભાઈ મકોડીયા ઉ.વ.૨૩, (૩) કાજલબેન અજયભાઇ મકોડીયા ઉ.વ.૨૦, (૪) અનિતા વિપુલ ડામોર ઉ.વ.૨૧, (૫) કવશિંગ કરમાભાઈ ડામોર ઉ.વ.૨૫, (૬) મુકેશ બીજયાભાઈ માવી ઉ.વ.૨૪, (૭) અજય જાેરસીંગ મકોડીયા ઉ.વ.૨૨ તમામ રહે.દાહોદ અને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનાને ઝડપી પાડેલ હતા.
આ ટોળકીની આગવીઢબે પુછપરછ કરતા તેઓ સંબંધી થતા હોય અત્રે સોમનાથ ફરવા આવેલ હતા. અહીં ખરીદી કરવાના બહાને બજારમાં જઈ સોની વેપારીને નિશાન બનાવી સોના-ચાંદીના દાણા ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આ ટોળકી પાસેથી સોનાની બુટી, દાણા, ચાંદીના સાંકળા, ક્રેટા કાર તથા બે બાઈકો મળી કુલ રૂ.૧૧.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ ટોળકીએ અન્ય કોઈ સ્થળોએ ચોરી કરી છે કે કેમ તે જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું એલસીબી પીઆઈ એસ.એમ.ઈશરાણીએ જણાવેલ હતુ.