જૂનાગઢની માઉન્ટેડ શાખાના પોલીસ તાલીમ હોર્સ સંકુલને રેન્જ આઈજી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. વર્ષ ર૦ર૦થી એટલે કે કોરોના કાળથી બંધ રાખેલી પોલીસ અશ્વ તાલીમ શાળાને લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે. જેનું જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનો માટે ત્રણ મહિના માટેનો બેઝિક કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આ શાળા બંધ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં ૩૦૦ જેટલી અરજીઓ હાલ પેન્ડીંગ રહેવા પામી છે. જૂનાગઢ, હોર્સ રાઈડીંગ સંકુલમાં સરકારી કર્મચારી અને વિદ્યાર્થીઓ માટે ત્રણ મહિનાના બેઝીક કોર્ષની રૂા.૩૦૦૦ ફી રાખવામાં આવી છે. જયારે સામાન્ય લોકો માટે ત્રણ મહિનાના બેઝીક કોર્ષ માટે રૂા.૬૦૦૦ ફી રહેશે. આ તાલીમ વહેલી સવારના ૬ઃ૩૦ કલાકથી શરૂ થશે અને બે શિફટમાં કુલ બે બેચને તાલીમ આપવામાં આવનાર છે. પોલીસ હોર્સ તાલીમ શાળામાં તાલીમ માટેના કુલ રર જેટલા હોર્સ તેમજ એક વછેરો મળી કુલ ર૩ અશ્વ આવેલા છે. જેમાં ૩ અશ્વનું સ્વાસ્થ્ય સારૂ ન હોવાને લીધે તેને કંડમ કરવામાં આવનાર છે જેથી ૧૯ અશ્વ મારફતે તાલીમાર્થીઓ તાલીમ આપવામાં આવશે.