એક જ દિવસમાં ૧ લાખ વૈષ્ણવો ઉમટ્યા, બાળકનું સંસ્કૃતમાં સંચાલન, કૃષ્ણજીવન ઉપર આધારિત કૃતિએ લોકોને ઝકડી રાખ્યા
વડાલ-કાથરોટા રોડ ઉપર આવેલા વૈષ્ણવોના સૌથી મોટા પુષ્ટી સંસ્કાર ધામ ખાતે સપ્તદિવસ્ય શિલાન્યાસ મહોત્સવની ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. પુષ્ટિ સંસ્કાર ધામ શિલાન્યાસ મહોત્સવમાં ગઈકાલે રવિવારે એક લાખથી વધુ વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન બાળકોએ સંસ્કૃત ભાષામાં કર્યું હતું. માણાવદર પાઠશાળાના બાળકોએ કૃષ્ણજીવન લીલી આધારિત શ્રી નંદકુમાર અષ્ટકમ રજૂ કર્યું હતું જેણે લોકોને ઝકડી રાખ્યા હતા. સાથે નવધા ભક્તિ આધારિત કૃતિ રજૂ થઇ હતી. અમદાવાદ, અંકલેશ્વર જેવી દૂરની પાઠશાળાના બાળકોએ પણ કૃતિ રજૂ કરી હતી. વૈષ્ણવ સંવાદની કૃતિએ વડિલોને પણ આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. પુણ્યશ્લોક બાવાશ્રી સખા મંડળીની શ્રી વલ્લભ બિરૂદાવલી નાટીકાનું પણ મંચન થયું હતું. પુષ્ટિ સંસ્કાર ધામ સંકુલ નિર્માણની આગળના આયોજનની માહિતી કન્વિનર આનંદભાઇ ઠક્કરે આપી હતી જ્યારે મધૂરેન સમાપન ગોસ્વામી પિયુષબાવાએ પુષ્ટિસંસ્કાર ધામના દાતાના સન્માન સાથે કર્યું હતું.