જૂનાગઢ બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે વકીલોમાં ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. આ ચૂંટણીમાં કુલ ૫૩ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. ત્યારે ૭૬૬ વકીલો- મતદારો ૫૩ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. શુક્રવારે સાંજ સુધીમાં મતદાન પૂર્ણ થશે અને બાદમાં શનિવારે મતગણતરી થશે જેમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. આ અંગે બાર એસોસીએશનની યોજાનાર ચૂંટણીના મુખ્ય ચૂંટણી અધિકારી આર.ડી. ઠાકરે જણાવ્યું હતું કે, બાર એસોસિએશનની ચૂંટણીમાં વિવિધ હોદ્દા માટે ૫૩ ઉમેદવારો મેદાનમાં છે જેમના ભાવિનો ફેસલો ૭૬૬ મતદારો કરશે. ખાસ કરીને પ્રમુખપદ માટે ૩, ઉપપ્રમુખ પદ માટે ૫, સેક્રેટરી પદ માટે ૩, જાેઇન્ટ સેક્રેટરી પદ માટે ૪, ટ્રેઝરર પદ માટે ૩, સિનીયર કારોબારી માટે ૭, મહિલા અનામત કારોબારી માટે ૪ અને કારોબારી સભ્ય માટે ૨૪ ફોર્મ મંજૂર થયા હોય આમ કુલ ૫૩ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. દરમ્યાન આજે યોજાઈ રહેલી ચૂંટણીમાં પ્રમુખપદ માટે જયદેવ જાેષી અને દિપેન્દ્ર યાદવ વચ્ચે સ્પર્ધા છે. જ્યારે સેક્રેટરી પદ માટે મનોજ દવે અને ભાવેશ ઝીંઝુવાડીયા વચ્ચે સ્પર્ધા છે. આજે રર ડિસેમ્બર- શુક્રવારના સવાર ૧૦ વાગ્યાથી લઇને સાંજના ૫ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આવતીકાલે ૨૩ ડિસેમ્બર- શનિવારના સવારના ૧૦ઃ૩૦ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે અને આખરી પરિણામ આવે ત્યાં સુધી ગણતરી ચાલુ રહેશે. આમ શનિવારે ચિત્ર સ્પષ્ટ થશે તેમ મનાઈ છે.