જૂનાગઢ શહેરનાં આંબેડકરનગર વિસ્તારમાં તાજેતરમાં એક યુવાન ઉપર છરી વડે હુમલાનો બનાવ થયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ આ દરમ્યાન ગઈકાલે છ દિવસની સારવાર બાદ જીગ્નેશભાઈ વાળાનું રાજકોટ ખાતે મૃત્યું થતા આ બનાવ હત્યામાં પલાટયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના આંબેડકરનગરમાં દશામાના મંદિર પાસે રહેતા જીગ્નેશભાઈ વાળા(ઉ.વ.ર૭) નામનો યુવાન ૧પ ડિસેમ્બરની રાત્રે તેની બહેન હંસાબેન સાથે માવો ખાવા ગયો હતો અને બાદમાં ભાઈ-બહેન પરત આવતા હતા ત્યારે મયુર સોલંકી ગાળો બોલતો હોય તેથી જીગ્નેશ વાળાએ તેને ગાળો બોલવાની ના પાડતા આ ઈસમે ઉશ્કેરાઈ જઈને છરી વડે હુમલો કરતા યુવકને પેટ તેમજ પડખા સહિત શરીરના ભાગે ઈજા થતા ૧૦૮ મારફતે જીગ્નેશને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં તેને રાજકોટ વધુ સારવાર અર્થે રિફર કરાયો હતો. આ બનાવ અંગે યુવાનના ભાભી કિરણબેન રાહુલભાઈ વાળાની ફરિયાદ લઈ એ ડીવીઝન પોલીસે હત્યાની કોશીષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગુરૂવારે ૬ દિવસની સારવાર દરમ્યાન જીગ્નેશ વાળાનું રાજકોટ ખાતે મૃત્યું થતા બનાવ હત્યામાં પલટાયો હતો. તપાસનીશ પીઆઈ વી.જે. સાવજે જણાવ્યું કે, આ બનાવમાં તે સમયે આરોપીની છરી સાથે ધરપકડ કરી લેવામાં આવી હતી અને ર૪ કલાકમાં એફએસએલ સહિતનું ઈન્વેસ્ટીગેશન પુર્ણ કરીને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. હવે યુવાનનો સારવાર દરમ્યાન મૃત્યું થતા આ બનાવમાં આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.